Sep’13 : અપડેટ્સ-2

~ અગાઉની અપડેટમાં ઉતાવળના કારણે ઘણી વાતોને ઉમેરવામાં નહોતી આવી એટલે આજે લગભગ દોઢ મહિનાની વાતો ભેગી થઇ છે. જે યાદ આવશે અને લખવા જેવું હશે તે જ અહી લખાશે એમ માનીને આગળ વધીએ. (જો એમ લાગે કે હું કોઇ અપડેટ ચુકી ગયો છું તો સમજી લેવું કે તેમાં નોંધવા જેવું કંઇ હતું નહી અથવા તો તે પ્રાઇવેટ પોસ્ટમાં નોંધવામાં આવ્યું છે.)

~ હા તો અપડેટની શરુઆત કરીએ. સૌપ્રથમ વાત કરીએ થોડા દિવસ પહેલાના ગણેશ વિસર્જનની. જય હો.. જય હો.. જય હો.. ગણેશદેવાની અને તેમના દ્વારા થતી હેરાનગતીઓની….

~ પ્રભુ જેવા આ વર્ષે પધાર્યા એમ જ આવતે વર્ષે પણ આવજો અને આપના ભક્તોએ જાહેર પબ્લીકની જે હેરાનગતિ કરી છે તેવી આવતા વર્ષે પણ કરતા રહે તેનું ધ્યાન રાખજો. #કટાક્ષ (બીજું તો કંઇ કહેવું નથી અથવા તો કહેવા જેવું નથી, કેમ કે જે કહેવું છે તે અગાઉ પણ કહેવાઇ જ ગયું છે. જુઓઃ અહીં)

~ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે એક હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે. જો આપને અ.મ્યુ.કો. દ્વારા પુરી પાડવામાં આવતી કોઇ સુવિધા અંગે ફરિયાદ હોય તો અહી ફોન, મેસેજ કે ઇમેલ દ્વારા રજીસ્ટર કરાવી શકો છો. (મારી પાસે તો ફરિયાદોનો ઢગલો તૈયાર જ હોય એટલે મેં એકવાર ફરિયાદ કરીને અનુભવ કરી લીધો છે. સારી સર્વિસ છે.)

  • આ હેલ્પલાઇન અંગેની સંપુર્ણ માહિતી માટે જુઓ: amccrs.com/AMCPortal

~ એપલ દ્વારા રજુ કરાયેલી iPhone ની નવી ઓપરેટીંગ સિસ્ટમ iOS7 થી મોબાઇલ અપડેટ કરી દેવામાં આવ્યો છે. હજી તો વધુ અનુભવ નથી કર્યો; પણ જેમ શરૂઆતમાં નવી વસ્તું ઘણી ગમે અને આકર્ષક લાગે તેમ અત્યારે આ નવી સિસ્ટમ વાપરવાની ઘણી મજા આવે છે. જો કે હજુ તો અમે બંને (એટલે કે હું અને મારો મોબાઇલ) એકબીજા સાથે તાલમેલ મેળવી રહ્યા છીએ. (આમ તો ખુટે એવું તો કંઇ દેખાતું નથી અને વળી નવું-નવું ઘણું બધું છે. એટલે ફરિયાદ જેવું હશે નહી એવું કહી શકાય.)

~ આ વખતે મોદીને ભારતીય જનતા પાર્ટીપ્રધાનમંત્રી ઉમેદવાર બનાવ્યાના ન્યુઝ તો હવે જગજાહેર છે. કોઇને ગમ્યા અથવા તો કોઇને ખટક્યા હશે! પણ મને પર્સનલી ઘણો આનંદ થયો કે કોઇ રાજકીય પક્ષે એક એવી વ્યક્તિને આગળ મુકી છે, જે કંઇક તો કરી બતાવશે. (કમ-સે-કમ પ્રધાનમંત્રી તરીકે મનમોહનસિંહજી કરતા તો તે ઘણાં સારા સાબિત થશે તેનો મને અત્યારે વિશ્વાસ છે, આગળ તો જેવી રમેશભાઇ ની ઇચ્છા…)

~ હવે સામે પક્ષે પણ આવા જ કોઇ સક્ષમ ઉમેદવાર રજુ કરવામાં આવે તો ટક્કર જામે! (અહી સક્ષમ ઉમેદવારની વાત થાય છે’ એટલે મહેરબાની કરીને રાહુલબાબાને વચ્ચે ન લાવતા. યાર, ઔર ભી લોગ હૈ કોંગ્રેસમેં રાહુલ કે સીવા..)

~ નરેન્દ્ર મોદીની ખામીઓ ચોક્કસ છે, પણ તેમની ખુબીઓને તમે નજરઅંદાજ તો ન કરી શકો. એક એ વાત પણ સમજી લેવા જેવી છે કે, બધાને સાથે લઇને ચાલનારો માણસ લાંબે જઇ શક્તો નથી. અથવા તો મોટા કે અઘરા નિર્ણયો લઇ શક્તો નથી. મોદી અંગે મારી ટુંકી સમજણ પ્રમાણે કહું તો જો તેઓ PM બનશે તો કંઇક એવું કરશે જ જે અગાઉના પ્રધાનમંત્રીઓ કરી નથી શક્યા અથવા તો કરતાં ખચકાતા હતા.

~ દેશની હાલની પરિસ્થિતિ, રાજકારણ અને મતદારોની સ્થિતિ જોઇએ તો મારો અંદાજ કહે છે કે આ વખતે મોદીને પ્રધાનમંત્રીની ખુરશી શોભાવતા જોવા તૈયાર રહેવાનું છે. (ચેતવણી: આ મારું અંગત તારણ છે. મારો કોઇ એક પક્ષ, વ્યક્તિ કે સંસ્થા સાથે કોઇ સીધો સંબંધ નથી અને જો કોઇ આડકતરો સંબંધ પણ હશે તો તેને માત્ર સંયોગ કહેવાશે! -ચેતવણી પુરી.)

~ છેલ્લા મહિનામાં બે વખત અમદાવાદ-સુરત-અમદાવાદની મુસાફરી કરવામાં આવી અને એ પણ ભારતીય રેલ્વેના જનરલ ડબ્બામાં!! ટ્રેનમાં જનરલ ડબ્બો કોને કહેવાય, કેવો હોય અને તેમાં મુસાફરી કેવી રીતે કરાય તેનું મોંઘુ અને વિચિત્ર જ્ઞાન સ્વ-અનુભવે સાવ સસ્તામાં મેળવવામાં આવ્યું. (તે અનુભવ ફરી યાદ ન કરાવવા જાહેર વિનંતી.)

~ હા, હકારાત્મક વાત એ છે કે તે બહાને એક નવી સંસ્કૃતિને જાણવામો મોકો પણ મળ્યો. નવી એટલે કે, ટ્રેન સંસ્કૃતિ!! ટ્રેનમાં કાયમી મુસાફરી કરતા લોકોની પણ એક અલગ દુનિયા-વિચારો-ગ્રંથી અને આદતો હોય છે, જેનાથી આજસુધી હું લગભગ અજાણ હતો એમ કહી શકાય. એકંદરે નવું જાણવા મળ્યું તેનો આનંદ લીધો અને હવે વિશ્વાસ આવી ગયો કે ભવિષ્યમાં કયારેક આવી મુસાફરી કરવાની આવે તો મને કોઇ વાંધો નહી આવે. (રેલ્વેની દરેક મુસાફરી વખતે કન્ફર્મ બુકીંગ મળી ન શકે તે હકિકતને પણ હવે ધ્યાનમાં રાખવી પડશે.)

~ સુરત ખરેખર સુંદર શહેર છે અને કોઇ-કોઇ જગ્યાએ તો તે અમદાવાદથી પણ ચઢિયાતું લાગે. રોડ-રસ્તામાં તો તેને ચોક્કસ અમદાવાદથી આગળ ગણી શકાય. જો ગુજરાત સરકાર (વાંચો, મોદી સરકાર) તેને અમદાવાદ જેટલું જ મહત્વ કે લાભ આપવાનું શરૂ કરી દે તો એ વાત ચોક્કસ છે કે સુરત થોડા જ વર્ષોમાં અમદાવાદથી આગળ નીકળી જાય! (સાઇડટ્રેક: હું ભલે આખા ગામની પંચાત કરું છું પણ સુરતમાં બીચ-દરિયાકિનારો છે, તેની જાણકારી મને લગભગ બે-ત્રણ વર્ષ પહેલા જ થઇ છે!)

~ મારા એક નિયમને બાયપાસ કરીને થોડા દિવસો પહેલા જ યુવરાજભાઇની મુલાકાત લેવામાં આવી હતી. (કેટલાક નિયમો તોડવા માટે જ બનતા હોય છે.)

~ અમે નાની-મોટી ચર્ચા કરી જે ખરેખર જરૂરી નહોતી પણ મળ્યા એટલે સામ-સામે ચુપ બેસી રહેવા કરતાં બે વાતો કરીએ તો સારું લાગે અને સ્વાભાવિક છે કે અમારી મુલાકાત જે કોમન વિષયના આધારે થઇ છે, તે વિષય ચર્ચામાં વધુ રહ્યો. ત્યારે ઓવરઓલ હું વધારે બોલ્યો હોઇશ, યુવરાજભાઇ જરૂર પુરતું બોલ્યા હતા અને અમારા (પોતપોતાના) ધર્મપત્ની મુખ્યત્વે શ્રોતાગણના સ્થાને રહ્યા!! (જયારે હું સળંગ બોલતો હોઉ ત્યારે મને અટકાવવો ખરેખર અઘરું કામ હશે એવું મને પણ કયારેક લાગતું હોય છે!)

~ યુવરાજભાઇ પાસે સમય નહોતો છતાંયે મારી માટે સમય ફાળવ્યો તે બદલ તેમનો આભાર માનવો પડે અને છેલ્લે, મળીને આનંદ થયો -એવું લખવાનો અને કહેવાનો આપણે ત્યાં રિવાજ છે એટલે કહી દઉ છું. 🙂 (સારો રિવાજ છે!)

~ જો કે દિલથી કહું તો એક નવા મિત્ર મળ્યા તેની ખુશી થઇ, યુવરાજભાઇની નિખાલસતા ખરેખર ઘણી ગમી. તેમણે બે પુસ્તકો આપ્યા છે; જેમાંથી એકને થોડો ન્યાય આપવામાં આવ્યો છે અને બીજું પુસ્તક તેમની નવલકથા ‘સળગતા શ્વાસો‘ છે જે વાંચી લેવામાં આવી છે. (તેને હવે પાછી આપવાની છે પણ આળસમાં ભુલાઇ જાય છે.)

~ મારો ટેણીયો હવે ઘરની બહાર રખડવાનો ઘણો શોખીન થઇ ગયો છે. ઘરે આવો એટલે પહેલા તો તમને તે પોતાને તેડી લેવા કહે અને પછી તરત બહાર જવાનો રસ્તો બતાવશે. (આ નાના છોકરાંઓને બહાર જવું કેમ વધારે ગમતું હશે? ઘરમાં રહીને કંટાળી જતા હશે; કે પછી બહારની દુનિયાને જાણવાનું કુતુહલ વધારે હશે; કે પછી કોઇ અન્ય કારણ પણ હોઇ શકે.)

~ બે દિવસથી વરસાદ છે અને વાતાવરણમાં હવે ઠંડક પણ છે એટલે ડ્રાફ્ટમાં લખાયેલી ગરમીની ગરમા-ગરમ વાતોને રીમુવ કરી દેવી પડી છે. (સમયસર પોસ્ટને ‘Publish’ ન કરવામાં આવે તો આવી સમસ્યાઓ બની શકે છે.)

~ ઘણાં દિવસોની વાતો ભેગી કરી છે એટલે પોસ્ટ લાંબી થઇ જાય તે સ્વાભાવિક છે એટલે હવે વધારે આડીઅવળી વાતો ન ઉમેરવી યોગ્ય લાગે છે. (હાશ…… – કોણ બોલ્યું?)

~ બીજું બધું તો તેની જગ્યાએ બરોબર ચાલી રહ્યું છે. વજન 56 કિલો એ પહોંચ્યું છે. દવાઓ બંધ થઇ ચુકી છે. હું સંપુર્ણ સ્વસ્થ છું અને જીવનમાં એકંદરે શાંતિ છે.


*મારા જીવનનું એક વિચિત્ર કેરેક્ટર. જેઓની ઓળખાણ કયારેક કરાવવામાં આવશે.

3 thoughts on “Sep’13 : અપડેટ્સ-2

  1. ટેણીયો હજી સ્મરણમાં છે – શ્રીમતીજી ને તેની ચંચળતા ખુબ ગમેલી. અને આભારનો ભાર ન નાખવાનો હોય બંધુ , સામે પક્ષે મારે પણ તમને મળવાની લાલચ તો હતી જ ને ! અને હા , સારા મિત્ર મળ્યા નો આનંદ તો મને પણ ખૂબ થયો. પણ “સળગતા શ્વાસો ” વંચાઈ ગઈ હોવા છતાં રીવ્યુ નથી મળ્યો. નાં ચાલે ! મારા ઇન-બોક્સ માં તમારા પ્રામાણિક પ્રતિભાવ ની રાહ જોઇશ. ( જોકે પબ્લીકલી આપશો તોય કોઈ પ્રોબ્લેમ નથી )

    1. રીવ્યું ચોક્કસ આપીશું ભાઇ… અને અભિપ્રાય-પ્રતિભાવ બંનેમાં પ્રામાણિકતાનું ધ્યાન રાખીશું. બને એવું છે કે લખવા બેસીયે તો કંઇ લખાય નહી અને ઉતાવળ હોય ત્યારે ઉમેરવા જેવું ઘણુંબધું સ્મરણમાં હોય. હવે આ સમય-સંજોગનો મેળ પડે ત્યારે કંઇક નવું ઉગી નીકળે. 🙂

  2. -તમે સુરત આવ્યા અને તમને સુરત ગમ્યું સારી વાત છે….હવે સુરત આવો એટલે આપની મુલાકાત ગોઠવાય તેવો કાર્યક્રમ બનાવજો.
    -હા કદાચ ટેણીયાઓ નું એવુજ હોય છે…નવું નવું જોવું જાણવું ગમતું હોય છે. ઘણા બાળકો જોયા છે જે બોલતા શીખે એટલે તે જ્યાં જાય ત્યાં વાચતા જ હોય છે…

બોલો, શું કહેવું છે તમારે...