– છેલ્લી વાત ઉમેરતી વખતે વિચાર્યું’તું કે તે જ દિવસે રાત્રે અહીયાં કંઇક તો લખીશ. ખૈર, ત્યારે તો તે શક્ય ન બન્યું પણ આજે ચોઘડીયા સરસ છે. (જો બકા, આપણું મન માળવે હોય ને એ બધા ચોઘડીયા ઉત્તમ જ કહેવાય.)
- સાઇડટ્રેકઃ ચોઘડીયા કઇ રીતે જોવાય એવું ઘણાં સમય પહેલા (લગભગ ૧૬-૧૭ની ઉંમરે) એક જોષી પાસેથી શીખ્યો’તો, હવે ઉપયોગના અભાવે અને આદતવશ તે જ્ઞાન ક્ષીણ બની ગયું છે. જો કે તેનો કોઇ અફસોસ નથી. (મને હજુયે યાદ છે કે આ જ્ઞાનના કારણે તે સમયમાં હું એટલો અંધશ્રધ્ધાળું બની ગયો’તો કે ઉઠવા-સુવાના, રમવા-ભણવા અને ખાવા-પીવાના સમય પણ ચોઘડીયાથી નક્કી કરતો.)
- જ્ઞાનની એક સરળ વ્યાખ્યા એવી છે કે તે અજ્ઞાનના અંધકારને દુર કરે છે! પણ થોડા અંગત અનુભવોના આધારે મારું માનવું છે કે કોઇ-કોઇ જ્ઞાન અંધકાર દુર કરવાને બદલે વધુ અંધકારમાં ખેંચી જાય છે. (એમ તો જ્ઞાન કોને કહીશું અને અજ્ઞાન કોને કહેવાય તે એક મોટી ચર્ચાનો વિષય છે, પણ આપણે અત્યારે તેની ચર્ચામાં ન પડીયે.)
– આ સાઇડટ્રેક લાંબો ચાલ્યો ને?… ક્યાં હતો હું?…. હા, કંઇક લખવાની વાત થતી હતી ને… પણ લખતા પહેલા હજુ એક વાંચનની વાત ઉમેરી લઉ… મારો બગીચો લગભગ છેલ્લા એક વર્ષથી ઘણી અવ્યવસ્થિત અવસ્થામાં છે. મુળ ઉદ્દેશ જે હતો તેમાં માત્ર રોજબરોજની અપડેટ્સ સિવાય કંઇ ખાસ ઉમેરી શકાતુ નથી. (અને એ અપડેટ્સમાં પણ પુરતો સમય આપી શકાયો નથી.)
– અઘરા વિષયો અને મોટી-મોટી વાતોની વચ્ચે હું મારી સરળતા ખોઇ રહ્યો છું. વિચિત્રતાઓ તો અંદર ઘણી છે છતાંયે મારી સરળતા જળવાઇ રહે તેનું ધ્યાન રાખવું પડે એમ લાગે છે. (કોઇ કોઇ જગ્યાએ તો હું મને પોતાને જ અઘરો લાગી રહ્યો છું!)
– જયારે અહી લખવાનું શરૂ કર્યું હતું તે સમય અને આજના સમય વચ્ચે જીવનના વિવિધ ક્ષેત્રે આવેલું પરિવર્તન એક મુખ્ય કારણ છે. છતાંયે આજે પણ એક ઇચ્છા એવી જ છે કે શરૂઆતના એ સમયની સ્થિરતા હું જાળવી રાખું. (મને મારી અંદરનો એ વ્યક્તિ ખોવો નથી.)
– સમય પ્રમાણે બદલાવું જોઇએ એ ઠીક છે પણ આજે પહેલા જેવા બનવાની ઇચ્છા થાય છે. દરેક ને જેમ મોટા થયા પછી જેમ બાળપણ પાછું મેળવવાની ઇચ્છા જાગે એવી આ વાત છે. ના ભઇ, મને એમ બાળક નથી બનવું પણ બે-ત્રણ વર્ષ પહેલા જેવો હતો એવા જ બનવું છે એટલે એ અશક્ય છે એવું તો ન કહેવાય. (ટ્રાઇ કરને મે ક્યા જાતા હૈ..)
– ગમે તેટલું મેળવી લો તોયે કોઇ અવસ્થા પછી જુનું જીવન ફરી પાછું મેળવવાની ઇચ્છા કેમ થતી હશે? -અઘરો સવાલ છે ને.. (મને તો સ્કુલની પરિક્ષાઓમાં પણ બધા સવાલ કાયમ અઘરા જ લાગ્યા છે.)



![31મી વાર્ષિક ગાથા [170609] a person](https://i0.wp.com/marobagicho.com/wp-content/uploads/2017/06/lonely-person.jpg?fit=210%2C104&ssl=1)
લખવું અઘરું છે પણ સતત અને સારું લખવું ઘણું અઘરું છે,
ટુક માં સાતત્ય જાળવવું અઘરું છે 🙂
સત પ્રતિશત સત્ય વચન પ્રભુ!
ઘણા સમય પછી ફરી જ્યારે લખવા બેસીએ એટલે એજ વિષય પર લખવાની ઈચ્છા થાય કે પહેલા જેવું હવે રેગ્યુલરલી નથી લખાતું. પણ એક રીતે જોવા જઈએ તો કમ-બેક માટે નો સૌથી બેસ્ટ ટોપિક છે. એક વિઝન ક્રિએટ થઇ જાય છે મગજમાં, જે ખરેખર તો પાસ્ટ જ છે! તેમ છતાં ફ્યુચરમાં લઇ જવા માટે તેટલું જ સક્ષમ.
અને ચોઘડિયાવાળી એક વાત સાચી કે અંધશ્રદ્ધાળુ બનાવી દે, પણ તમે લખ્યું એ જોઇને એક પોઝીટીવ વસ્તુ તેના વિષે એ પણ લાગી કે ઈટ કેન હેલ્પ યુ ટુ ફોલો અ શીડ્યુલ! પણ એ તો નોર્મલ ઘડિયાળ પણ મદદ કરે એમ છે. પણ પેલું ચોઘડિયું હોય એટલે પેલા રુલ્ઝના લીધે થોડું રમત જેવું લાગે અને મજા ય આવે…પણ ફરી પાછું અંધશ્રદ્ધાનું પોટલુંય નડે!
ખરેખર અઘરું છે આ બધું! 😛
છેલ્લા એક વર્ષમાં અહી ઉમેરાયેલી દરેક વાતમાં ‘કમ-બેક’ મુખ્ય ટૉપિક રહ્યો છે. હવે તો યુવરાજ પણ કમ-બેક કરીને ફોર્મમાં આવી ગયો છે, પણ અમારું હજીયે ઠેકાણું નથી દેખાતું બોલો…. 🙂
અને ચોઘડીયા પ્રમાણે એમ તો સારું હતું કે કયું કાર્ય ક્યારે કરવું તે નક્કી રહેતું અને તેની સમય મર્યાદા પણ ફિક્સ રહેતી… પણ સમસ્યા એ બનતી કે ત્યારે જે કંઇ ધારણાથી વિરુધ્ધ બનતું તેમાં મને એ જ દોષ દેખાતો કે મે તેનું યોગ્ય રીતે પાલન નહી કર્યું હોય!
અરે, અંધશ્રધ્ધાની હદ એટલી હતી કે નોટબુક પણ ચોઘડીયા છાપેલી હોય એવી જ જોઇએ. ઘણીવાર હાથમાં લીધેલું કોઇ અગત્યનું કામ પણ ચોઘડીયા જોઇને મુકી દેવાતું અને જો જરૂરી કામ કરતી વખતે યોગ્ય ચોઘડીયા ન મળે તો મને તે કાર્યમાં સફળ થઇશ કે નહી તેની શંકા જ રહેતી…
પણ મજાના દિવસો હતા એ… અંધશ્રધ્ધાને પોષવા માટે મેં ઘણી રાતના ઉજાગરા કરી ને જાત પર ઘણાં જુલમ પણ કર્યા છે અને હવે એ બધું યાદ કરવાનો આનંદ પણ મેળવું છું! 😀