# 2016 ના વર્ષની આ ચોથી પોસ્ટ છે. (એમ ગણવા જશો તો આ પાંચમી લાગશે.) પાચમાં મહીનામાં ચોથી પોસ્ટ! (બહોત નાઇન્સાફી હૈ ના?)
# સમયના કોઇ કાળમાં ‘રાજકારણ વિશે ન લખવું‘ એવું નક્કી કર્યું’તુ અને તે નક્કી કર્યા પછી ‘શું લખવું‘ એ જ નક્કી નથી થતું. એમ તો વિષય અને ઘટનાઓની કમી નથી પણ કેમ જાણે અહી કંઇ ઉમેરવા માટે મેળ જ નથી આવતો. (writer’s block આ સ્થિતિને જ કહેતાં હશે, પણ હું તો કોઇ એંગલથી writer પણ નથી! તો પછી આ block મને કેમ નડતો હશે? 🤨)
# ઘણીવાર થયું કે કંઇક લખવામાં આવે તો આ જગ્યા પણ જીવંત રહે. ખૈર, આજે કલમ (એટલે કે કી-બોર્ડ) હાથમાં લીધી જ છે તો બે-ચાર લીટી ચોક્કસ લખીશ. (એમ લખવા બેસીયે તો પાછું કંઇક લખાઇ પણ જાય હોં! 😊)
# અમારે કોઇ રીતે વેકેશન જેવું ન હોય તો પણ વ્રજના કારણે અત્યારે વેકેશન ટાઇમ ચાલી રહ્યો છે. એ સાહેબ તો નાના‘ના1 ઘરે જલ્સા કરે છે તથા મેડમજી પણ તેમને ત્યાં જ સાથ આપી રહ્યા છે. અમે અહીયાં એકલાં રહેવાની મજા ઉઠાવી રહ્યા છીએ. (એકલાં રહેવાની પણ એક મજા હોય છે; પણ જાહેરમાં જતાવાય નહી.🤫)
# ગામમાં રખડવાના શોખીન હોવા છતાં અત્યારે સોલિડ ગરમીની મૌસમના કારણે ઓફિસમાં ભરાઇ રહેવું ઠીક હોય છે. મારી માટે ગરમી સહન કરવી એટલી અઘરી ન હોય પણ આ વખતે કંઇક વધારે જ છે, એટલે સાચવવું સારું. (સાંજે ૭ વાગ્યા સુધી પણ લૂ લાગતી હોય છે!)
# એમ તો આ ગરમી શરૂ થાય એ પહેલા અમે રાજસ્થાનમાં જયપુરનો પ્રવાસ કરી આવ્યા’તા. ગરમીની શરૂઆત હતી ત્યાં એટલે ફરી શક્યા, હવે જવાની હિંમત ન કરાય. (અરે, આ પ્રવાસ વિશે એક આખી પોસ્ટ બની શકે એમ છે! કાલે જ વાત.)
# વ્રજની નર્સરી સ્કુલ જૂન મહિનાના પ્રહેલા અઠવાડીયામાં જ સ્ટાર્ટ થઇ જશે, એટલે તે પહેલા તેને લેવા માટે મને સાસરે જવું પડશે. (સાસુએ પણ આમંત્રણ આપ્યું છે કે – કુછ દિન તો ગુજારીએ સસુરાલ મેં!)
# મારી કોલેજ પુરી થયા પછી ઘણાં મોટા બ્રેક પછી સ્કુલીંગ સાથે મારો પરિચય થઇ રહ્યો છે. વ્રજની સ્કુલ-બુક્સ અને સ્કુલના નખરાંઓ જોઇને લાગે છે કે અમે ભણતાં’તા એ આ દેશ નહોતો! (સાલું, બઉ બદલાઇ ગયું છે બધું!)
# બસ આજે આટલી વાતો ઠીક રહેશે. આગળની (એક્સ્ટ્રા) નાનકડી પોસ્ટ માત્ર સ્પાર્ક માટે જ હતી અને તેનો ફાયદો પણ થયો. (ખરેખર આ ‘બ્લોક‘ જેવું કંઇક હોય છે ખરું!)
સાઇડટ્રેક: આ writer’s block નું ગુજરાતી શોધવા પ્રયત્ન કર્યો પણ કોઇ નક્કર જાણકારી ન મળી. ગુગલભાઇના મતે તેને ‘લેખક માતાનો બ્લોક‘ કહેવાય એવું જાણવા મળ્યું! શું તેને ‘લેખન શૂન્યતા‘ કહી શકાય?
લેખક માતાનો બ્લોક 😉
[ મતલબ કે કૈક તો જવાબ આપવાનો જ ! માંગનાર ખાલી હાથે પાછો ન જવો જોઈએ , પછી ભલે તે ખાલી મગજે પાછો જાય 😀 ]
ઉનકે ઘર અંધેર હૈ, લેકીન દેર નહી! 🙂