~ ક્યારેક નક્કી કર્યું હતું કે શહેરોની મુલાકાતની સિરીઝમાં મૈસૂર મુલાકાતની અપડેટ નોંધવામાં આવશે. વિચાર તો ઘણાં કરી રાખુ છું પણ અમલમાં આવતા વાર લાગી જાય છે. (લાગે છે કે આજકાલ મારી આદતમાં સરકારી કાર્યક્ષમતા ઘુસી રહી છે.)
~ બે દિવસમાં આ પોસ્ટ પુરી કરવાની હતી પણ થોડાક જ વધારે દિવસો ચાલ્યા ગયા છે. (થોડાક જ કહેવાય ને યાર.. હજુ 2-3 મહિના તો થયા છે. એમ અમે કંઇ ભુલતાં નથી હોં કે.)
~ વાત એમ છે કે આજકાલ જીંદગી થોડી આડીઅવળી ચાલે છે અને વળી આડાવળા કામકાજ પણ. મન ક્યાંય ઠેકાણે નથી એટલે ક્યારે, ક્યાં અને કેમ હોઇશ, શું કરતો હોઇશ એ જ નક્કી નથી હોતું તો જે પહેલા નક્કી થયેલું છે તે પણ અગડમ્-બગડ્મ થઇ ગયું છે. (વાત જ ના પુછતાં કે શું થયું છે.. કોઇને કંઇ કહેવા જેવું નથી. એકાદ પ્રાઇવેટ પોસ્ટનો ટાઇમ થઇ ગયો છે.)
~ આ બધામાં ક્યાંક મારી ભુલો હશે પણ બીજો બધો વાંક અન્ય લોકોનો અને આસપાસની પરિસ્થિતિનો છે. (ઓનેસ્ટલી, આ બધા મારા બહાના છે. મને પોતાને ખોટો ન કહેવાના 🙂 )
~ ચલો વિષય પર આવીએ.. આમ કંઇ પણ લખ્યા કરીશ તો વળી મુળ મુદ્દો સાઇડમાં રહી જશે. (એમ તો અત્યાર સુધી આ બગીચામાં આડીઅવળી વાતો સિવાય બીજું કંઇ ક્યાં ઉગાડ્યું જ છે! 😀 )
~ બેંગ્લૉર અને Bannerghatta નેશનલ પાર્કની મુલાકાત પતાવીને અમે સાંજે જ મૈસૂર તરફ નીકળવાનો વિચાર તો કર્યો હતો, પણ એમ બધાયનું ધાર્યું થતું હોત તો દરેકની દુનિયા કેટલી સરળ હોત! (મજાક-મજાકમાં કેવી મોટી વાત આવી ગઇ, હે ને?)
~ નેશનલ પાર્કમાં સફારી પછી બટરફ્લાય પાર્ક અને પ્રાણી સંગ્રહાલય જોવામાં અમે સાંજ કરી દીધી હતી. ત્યારબાદ હોટલમાં જમ્યાં અને બહાર નીકળ્યા ત્યારે રાત્રીની શરૂઆત થઇ ચુકી હતી. વળી આખો દિવસ એવા થાક્યા હતા કે રાતે મૈસૂર સુધી જવાનો વિચાર ઘણો ભારે લાગ્યો. છેવટે સવારે વહેલા મૈસૂરની યાત્રાએ નીકળીશું એવો નિર્ણય લીધો. (શું કરીયે યાર.. છેવટે પરિસ્થિતિ પ્રમાણે બદલતાં રહીએ એમાં જ તો જીવનયાત્રાનું શાણપણ સમાયેલું છે.)
~ બીજા દિવસે ડ્રાઇવર સમયસર આવી ગયો અને અમે સવારે વહેલા બેંગ્લોરથી નીકળ્યા મૈસૂર માટે. હજુયે બધા આગળના દિવસના થાકમાં હતા એટલે રસ્તો ઉંઘમાં જ પસાર થઇ રહ્યો હતો. બેંગ્લોર-મૈસૂર વચ્ચેના સવાસો કિલોમીટરના રસ્તામાં લગભગ અડધે પહોંચીને અમે સવારના નાસ્તા માટે અટક્યા હોઇશું એટલુંં યાદ છે. (ઉંઘમાં તો કેટલું યાદ રાખી શકાય ભાઇ..)
~ નાસ્તા પછી સીધા મસૂરી અટકવાનું હતું પણ સસરાની ખાસ ઇચ્છા હોવાથી કાવેરી નદીના કિનારે આવેલા કોઇ મહત્વના મંદિરમાં દર્શનના કાર્યક્રમને વાઇલ્ડકાર્ડ એન્ટ્રી આપવામાં આવી. આ મહત્વના મંદિરનો ફોટો નીચે જોઇ શકો છો. (અગર સસરાની ઇચ્છા હોય તો બોલો તેમને રોકનાર હું બની શકું? કોઇ જમાઇની આટલી હિંમત હોઇ શકે?)
~ સસરાએ દર્શનનો લાભ લીધો, વ્રજે કાવેરી નદીમાં ન્હાવાનો લ્હાવો લીધો અને અમે ફરી મૈસૂરના રસ્તે આગળ વધ્યા. પછી તો અડધા કલાકમાં જ પહોંચી ગયા હોઇશું. પહોંચી પહેલા વેજીટેરીઅન હોટલ શોધીને મસ્ત પેટપુજા કરી. (બપોરે લગભગ 1 વાગ્યે અમે ત્યાં પહોંચ્યા હોઇશું.)
~ જમ્યા પછી રોડ પરના બોર્ડને જોઇને એક વેક્ષ મ્યુઝિયમમાં ગયા, પણ અમને તેમાં કંઇ ખાસ જોવા જેવું ન લાગ્યું અને પછી પ્રખ્યાત પેલેસની મુલાકાત માટે નીકળ્યા. પહોંચ્યા.
~ અહી એ ગમ્યું કે પેલેસમાં કેમેરા લઇ જવા પર કોઇ પ્રતિબંધ નથી અને વિઝિટર્સ માટે સારી વ્યવસ્થાઓ છે. (બેબીફીડીંગ માટે પણ એક અલગ પ્રાઇવેટ લેડીઝ-રૂમની વ્યવસ્થા છે, જે મને ઘણું ગમ્યું. મેડમજીએ તેનો ઉપયોગ પણ કર્યો.)
~ જો હું જયપુર, કુંબલગઢ કે આગ્રાના કિલ્લા/મહેલની દ્રષ્ટિએ મૈસૂરના મહેલને દેખું તો મને આ મહેલ ઘણો સામાન્ય લાગ્યો. મારા મતે આ એક ઐતિહાસિક મહત્વ ધરાવતી આલિશાન ઇમારત છે જે સમયાંતરે નવા રુપરંગમાં ઢળતી રહી છે. જો કે આ એક શહેરી વિસ્તારમાં આવેલો હોવાથી અને નવા સમયમાં બનેલો હોવાથી પણ તેમાં કિલ્લેબંધી જેવી બનાવટ જરૂરી નહી હોય. (જયપુરઆં સીટી-પેલેસ પણ લગભગ આવી જ રીતે છે.)
~ અંદર અને બહારથી ઘણાં ફોટો લીધા છે જેમાંથી સિલેક્ટેડને અહી યાદગીરી માટે ઉમેરું છું. (મને કોઇપણ એન્ગલથી કંઇપણ ક્લિક કરતા રહેવાની આદત છે, તો બધા ફોટો સહન ન થાય ને..)
~ એકંદરે સારું શહેર છે પણ મૈસૂરમાં વધુ જગ્યાઓ નથી ફરવા માટે. આ શહેર મુખ્યત્વે પેલેસ માટે જ પ્રખ્યાત છે. પેલેસ પતાવીને સસરાએ કોઇ ચામુંડેશ્વરીદેવીના મંદિરે જવાનું નક્કી કરી રાખ્યું હતું, અમે તે તરફ નીકળ્યા જે શહેરથી થોડું બહાર આવેલું છે. જેનો ફોટો અહી નીચે દેખાશે પણ માત્ર બહારથી જ. (અંગત રીતે હું મંદિર-મંદિર ફરવાનો વિરોધી છું પણ કોઇ કલાત્મક કે ઐતિહાસિક જગ્યા હોય તો મને ત્યાં જવાનો વાંધો ન હોય.)
~ આ મંદિર ટીપીકલ સાઉથઇન્ડીયન સ્ટાઇલમાં બનેલું છે. શહેરથી દુર અને થોડી ઉંચાઇએ આવેલું છે. મને દર્શનમાં કોઇ રસ નહોતો પણ શહેરથી બહાર આવ્યા બાદ ડુંગરની ટોચ સુધી જવાનો રસ્તો ઘણો સરસ લાગ્યો. મારા સિવાય કોઇને તેમાં રસ ન હોવાથી ક્યાંય અટકવા ન મળ્યું અને રસ્તામાં ફોટો ક્લિક ન કર્યાનો અફસોસ રહેશે. (આસપાસ હરિયાળી અને વળી સુંદર વળાંકો વાળો રસ્તો. લગભગ માઉન્ટ આબુ જેવો રસ્તો કહી શકાય.)
~ દર્શન-વિધી અને ત્યાંજ આસપાસ નાની-મોટી શોપિંગ પતાવ્યા બાદ વૃંદાવન ગાર્ડનનો પ્લાન રેડી હતો. રસ્તો લગભગ એક કલાકનો હશે પણ અમે મંદિરમાં સમય વધુ બગાડ્યો હતો, એટલે ગાર્ડન પહોંચ્યા ત્યારે અંધારું થવાની શરૂઆત થઇ ચુકી હતી. (આ ગાર્ડનની પ્રવાસીઓ ખાસ મુલાકાત લેતા હોય છે. અમે પણ પ્રવાસી હતા.)
~ ઓકે, સુંદર બગીચો છે પણ એટલો ખાસ નથી કે તેની માટે લાંબુ અંતર કાપીને ત્યાં પહોંચાય. (જો સમય હોય તો ત્યાં હરિયાળી, પાણી અને બાજુમાં ડેમ જોવા જઇ શકાય પણ ખાસ અલગથી સમય ફાળવવો જરૂરી ન લાગ્યું.)
~ અંધારું થઇ ચુક્યું હતું એટલે અમે લાઇટોની ઝગમગાટવાળી રોશનીમાં બગીચાનો આનંદ લીધો. ડાન્સીંગ ફાઉન્ટેન (નાચતા ફુવારા) જોવા રોકાયા. અહી વ્યસ્થાપકોએ લગભગ હજાર માણસો હાજર હશે તે સમયે જ કોઇ પણ સુચના વગર અચાનક લાઇટ બંધ કરીને આખા ગાર્ડનમાં અંધારું કર્યું, ત્યારે એકસાથે બહાર નીકળતા લોકોથી અરાજકતા જેવો માહોલ હતો. (જો કોઇ બાળક વિખુટું પડી જાય તો અંધારામાં તેને શોધવું મુશ્કેલ પડે તેવી સ્થિતિ હતી.)
~ વૃંદાવન ગાર્ડનથી બહાર નીકળ્યા અને થોડે આગળ જઇને જમ્યા. થોડી ચર્ચા-વિચારણા બાદ અગાઉ બનાવેલો હોટલમાં રાત્રી રોકાણનો કાર્યક્રમ અને શોપિંગ માર્કેટ્સની મુલાકાત રદ કરીને રાતે જ બેંગ્લોર રીટર્ન થઇ ગયા. (ત્યાં હવે એક દિવસ વધુ રોકાવામાં શોપિંગ સિવાય કોઇ કારણ નહોતું અને બીજા દિવસે સાંજે બેંગ્લોર એરપોર્ટ પણ પહોંચવાનું હતું.)
~ કાર્યક્રમ બદલતા/બનાવતા અમે છેવટે રાત્રે 2 વાગ્યે બેંગ્લોર પહોંચ્યા. સવારે ઉઠીને આસપાસમાં કંઇક નવું દેખીશુ એવી આશા હતી, પણ થાક અને મુસાફરીના લીધે અમારી સવાર બપોરે થઇ. વળી, એરપોર્ટ થોડું દુર હોવાથી અને સાંજના ટ્રાફિકના લીધે પણ વહેલા નીકળવું જરુરી હતું તો નવું કંઇ દેખવા ફરીવાર આ શહેરની મુલાકાત લઇશું એમ વિચારીને મન મનાવ્યું. (ચલ મન જીતવા જઇએ! > જોવા જેવી ફિલ્મ છે. આ તો યાદ આવ્યું, એટલે થયું કે કહી દઉ.)
~ હાશ, આજે ઘણાં દિવસથી ડ્રાફ્ટમાં ધુળખાતી આ પોસ્ટ અહી પુરી થાય છે. માહિતી થોડીક છે, પણ વધુ ફોટો હોવાના લીધે આ અપડેટ સામાન્ય કરતા વધુ લાંબી થઇ ગઇ છે. (સામાન્ય રીતે અમે લંબાઇની હદ જાળવવામાં માનીએ છીએ.)
ઇમેલ સબક્રાઇબર્સ તથા અન્ય રીડર-એપથી મારા બગીચાની અપડેટ્સ દેખતા લોકોએ જાણવા જોગ; એકવાર મુળ બગીચાની મુલાકાત લેશો તો ખબર પડશે કે મેં અહીયાં કેવા-કેવા સુધારા કર્યા છે. ભૈયા, જો દેખે વો હી જાને કી શબ્દો સે સજી હુઇ અસલી હરિયાલી કૈસી દિખતી હૈ!
nice pics. but nayra na kem koi pic nthi ?
થેંક્યું. તમે તો આજે ઘણાં દિવસે આવ્યા મારા બગીચામાં!!.. નાયરાના ફોટો કેમ નથી એ સવાલનો જવાબ મારી પાસે નથી. કદાચ શહેર વિશે લખતો હતો એટલે મે સ્થળના ફોટો જ સિલેક્ટ કર્યા હશે.
ઓકે તે યાદ કરાવ્યું જ છે તો હવે નાયરાની એક ફોટો-પોસ્ટ ઉમેરવાનું પણ વિચારું છું..
ઓહ, બેંગલોરથી મૈસુર ફરવા જવામાં બહુ થાકી જવાય છે. જાણે જોવામાં કાંઈક રહી જશે એમ, ઝુ થી ચામુંડેશ્વરી, ચામુંડેશ્વરીથી પેલેસ, પેલેસથી વૃંદાવન ગાર્ડન એમ ભાગમભાગ જ રહે છે. હું પાંચથી છ વખત મહેમાનોને ફેરવવા ગયો છું. ફરી બેંગલોર આવશો ત્યારે તમે મને મળશો એવી આશા છે. ફોટો બહુ સરસ ક્લિક કર્યા છે.
એક જ દિવસમાં બધે ‘ફરી લેવું’ હોય એટલે ભાગમભાગ જ થાય. હું સ્વભાવે થોડો આળસુ છું એટલે મને નિરાંતવાળી યાત્રા વધુ ગમે. પણ કોઇ જગ્યાએ જઇને ત્યાંના ટુરિસ્ટ પોઇંટમાં કંઇજ ખાસ ન જણાય તો ટાળી દેવામાં મને જરાય આળસ કે અફસોસ ન થાય. તેના બદલે ગમતી જગ્યાએ વધુ સમય ફાળવવો મને ફાયદાકારક લાગે.
આપને ત્યાં મળવાનું ચોક્કસ બાકી રહ્યું છે અને સંજોગો ગોઠવાશે તો અમદાવાદમાં પણ મળીશું.
આપને ફોટો સરસ લાગ્યા તે ગમ્યું. આભાર.
તમારા ફોટો બહુ શાર્પ છે, અને એન્ગલ પણ પરફેક્ટ છે….કયો કેમેરો છે.
વખાણ માટે થેન્ક્સ. આપના જેવા બે-ચાર લોકો આમ કહે ત્યારે મારી અંદર ખોવાઇ ગયેલા ફોટોગ્રાફરને નવો ઉત્સાહ આવે.
કેમેરાનું નામ – નિકોન D3100
વધુ માહિતી અહીયાં છે – http://www.marobagicho.com/2013/camera/
આહા.. જૂની યાદો તાજી થઈ ગઈ.
2006 માં મૈસુર ની મુલાકાત લીધી હતી. રસ્તામાં કોઈ ફેમસ અનુપમ કે આનંદ વડા અને બટર ઈડલી પર સવારમાં તૂટી પડેલા એવું યાદ આવે છે.
પેલેસ, વૃંદાવન ગાર્ડન, બટર ફ્લાય ગાર્ડન, ઝૂ… સરસ શહેર છે.
બનરઘટા પાર્ક વિસિટ થોડી બોરિંગ લાગેલી.. હા પણ બે સફેદ વાઘ જોયાનું યાદ છે.