GSRTC – બુકીંગ અને કેન્સલીંગ

~ ટ્વીટરથી જાણકારી મળી હતી કે GSRTC1 એપ્લીકેશન સરસ કામ કરે છે અને સરકારી બસો પણ થોડીક સુધરી છે! (સાચું છે કે ખોટું એ તો રમેશભાઇને ખબર..)

gsrtc sleeper bus

~ વર્ષો બાદ સંયોગ થયો અને મુસાફરીના અન્ય વિકલ્પના અભાવે ચોક્કસ જગ્યાએ જવા માટે એસ.ટી. બસના સ્લીપર ક્લાસમાં એડવાન્સ બુકિંગ કરાવવામાં આવ્યું. એપ્લીકેશન પર બુકિંગનો અનુભવ એકંદરે સરળ રહ્યો. (સરકારનો પ્રયાસ સાચી દિશામાં છે! #અભિનંદન)

~ પહેલી વાર સરકારી બસનું ભાડું જોઇને જાણ્યું કે તેનો અને ખાનગી લગજરી બસ વચ્ચે ભાડાંનો તફાવત લગભગ 250% સુધી છે! પ્રાઇવેટ ટ્રાવેલ્સવાળા આમેય તહેવારોની સિઝનમાં પબ્લીકને બહુજ લુંટે છે! (સતર્ક રહે, સાવધાન રહે..)

~ આટલો ફરક કેમ હશે તે જાણવા મુસાફરીનો જાત-અનુભવ કરવો જરુરી હતો, પરંતુ બુકીંગ કર્યાના બીજા દિવસે જ ટ્રેનની ટિકીટ કન્ફર્મ થવાને લીધે એસ.ટી.ની મુસાફરીનો આનંદ ન લઇ શકાયો. એક નવો અનુભવ ચુકી જવાયો. (ક્યારેક આ અનુભવ ચોક્કસ લેવામાં આવશે. કેટલાક અખતરા અમે જીવના જોખમે પણ કરવા તૈયાર હોઇએ છીએ. 😀 )

~ ખબર નહોતી કે એસ.ટી.ની એડવાન્સ બુકીંગ કરેલ ટીકીટ રદ પણ કરાવી શકાય. આ તો કોઇએ એમ જ કહ્યું કે કદાચ થતી પણ હોય. અમે શંકાનું સમાધાન કરીને જાણ્યું કે તે વિકલ્પ પણ અત્રે2 ઉપલબ્ધ છે! #આશ્ચર્ય

~ જો કે આશ્ચર્ય વધુ સમય ન ટકયું. રદ કરવાના વિકલ્પ પર પહોંચતા જ ત્યાં અમારી પાસેથી ટીકીટ અંતર્ગત કેટલીક વિચિત્ર માહિતી ઉમેરવાની માંગણી કરવામાં આવી, જે અમારી પાસે આવી જ નહોતી. મેસેજ-ઇમેલ તપાસ્યા, સ્પામમાં પણ ફરી વળ્યા; કંઇ જ ન દેખાયું.

~ હવે તો લાગ્યું કે ટીકીટ કેન્સલ કરવી એ ચક્રવ્યુહના સાત કોઠા ભેદવા જેવું છે અને અમે અભિમન્યુ જેવી પ્રતિભા ધરાવતા ન હોવાથી હથિયાર ન ઉપાડવામાં જ શાણપણ છે. (જો કે રકમ પણ એટલી ઓછી હતી કે ત્યારે અતિ વ્યસ્તતામાં કિમતી સમય ન બગાડવો ઠીક સમજ્યું.)

~ પણ પણ પણ… ટીકીટ કેન્સલ કરવાનો વિચાર કેન્સલ કર્યા પછી પણ વિચાર આવ્યો કે પ્રયત્ન કર્યા વગર હાર માની લેવી એ તો કાયરનું કામ છે. પોતાને પાનો ચડાવ્યો અને મહાકારગર એવું ગુગલ-શસ્ત્ર ઉપાડીને હું યુધ્ધ મેદાનમાં કુદી પડયો!

# ટીકીટ બુકિંગ તથા કેન્સલ કરવાનો અનુભવ અને જાણકારીની નોંધ;

  • સ્લીપર બસમાં ઉપર કે નીચેની સીટ કઇ રીતે ઓળખવી તે સમજાતુ નથી. (એપ્લીકેશનમાં તે વિશે સુધારો જરુરી છે.)
  • એકવાર બુકિંગ કન્ફર્મ થયા પછી કોઇ જ એસએમએસ કે ઇમેલ મળતા નથી. એપ્લીકેશનમાં ખાંખા-ખોળા કરીને બધી માહિતી જાતે મેળવવી પડે. (આ થોડું વિચિત્ર કહેવાય.)
  • ટિકીટ કેન્સલ કરતી વખતે કોઇ ‘txt password‘ માંગે છે; જે શું હોય તે વિશે જાણવા ગુગલમાં શોધખોળ કર્યા વગર મેળ ન જ પડે અને વળી તે વિશેની ખણખોદ કરતાં-કરતાં નવું જ્ઞાન મેળવ્યું કે તેમાં ઓફીસીયલ એપ્લીકેશન કોઇ જ મદદ નહી કરી શકે. (txt password એટલે ટ્રાન્સેક્શન પાસવર્ડ – આ પણ ગુગલે જણાવ્યું. #થેન્ક્યુ_ગુગલ.)
  • મતલબ કે તે માહિતી મેળવવા માટે તમારે વેબ-બ્રાઉઝરમાં જી.એસ.આર.ટી.સી. ની વેબસાઇટ ઓપન કર્યા બાદ થોડીક મથામણ કરીને ઓરીજીનલ ટીકીટ ડાઉનલોડ કરવી પડે અને તેમાંથી  ખજાનાની ચાવી મળે! (મતલબ કે પેલો txt password મળે.)
  • હા, txt password મેળવ્યા પછી એપ્લીકેશનમાં મુસાફરી-ટીકીટ રદ કરવાની ઉત્તમ વ્યવસ્થા છે. (જોયું કેટલું સરળ છે!)
  • ઉપરોક્ત વિધી પતાવ્યા બાદ ટીકીટ કેન્સલ માટેનો મામુલી ચાર્જ કાપીને બાકીના પૈસા 7 દિવસ પછી એકાઉન્ટમાં પરત આવશે તેવી જાણકારી એક રેફરન્સ નંબર સાથે ત્યાં દેખીને અમે સંતોષ મેળવ્યો. (કોઇ SMS મળતા ન હોવાને લીધે તે સ્ક્રીનશોટ સાચવી રાખવામાં અમોને લાભ જણાયો.)

ઉપરોક્ત ઘટનાને આજે ચોથો દિવસ થયો છે; હવે રાહ જોવાય છે કે…
સાત દિવસ પહેલા થશે કે રિફંડ પહેલા થશે?


વધારોઃ ટીકીટ રદ કરતી વખતે એક પોઇન્ટની નોંધ લીધી હતી કે જો કોઇને આપના મોબાઇલ નંબર અને ઇમેલની જાણકારી હોય તો તે GSRTC ની વેબસાઇટ પરથી સરળતાથી ટીકીટ ડાઉનલોડ કરી શકે છે અને એપ દ્વારા કોઇ જ અડચણ વગર તમારી મુસાફરી ટીકીટ રદ પણ કરાવી શકે છે! આ બાબતે સુધારો અતિઆવશ્યક અને પ્રાથમિકતા આપીને કરવો જરુરી ગણાય.


અપડેટ: રિફંડ છઠ્ઠા દિવસે થઇ ગયું હતું. જે ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવામાં આવી હઈ તે બેંક દ્વારા SMS થી આ જાણકારી મળી હતી.

12 thoughts on “GSRTC – બુકીંગ અને કેન્સલીંગ

  1. જોકે, મારો અનુભવ સારો રહ્યો હતો. અને મારે ટિકિટ SMS અને મેઈલ એ બંનેમાં આવી હતી અને બસ ઉપડવાના કલાક પહેલા રિમાઇન્ડર આપતો sms પણ આવ્યો હતો!

    ઉપર-નીચેની સીટ સિલેક્શન વાળા મુદ્દા સાથે સહમત.

    આ એપની વ્યવસ્થા ઘણી સારી છે, જેમ વધુને વધુ વપરાશે તેમ કદાચ ફંક્શન સુધરશે એવી આશા. જોકે મારા 3 થી 4 પ્રવાસમાં મને આ એપનો અનુભવ સારો રહ્યો.

    1. મતલબ કે SMS અને મેઇલ બાબતે અમે જ કમનસીબ રહ્યા. 🙁

      એપની સુવિધા ખરેખર સરસ છે અને તેના ભવિષ્ય બાબતે અમે પણ આશાવાદી છીએ. ક્યારેક પ્રવાસ કરવાનો લ્હાવો લઇને તે અનુભવ નોંધવાની ઇચ્છા હજુ બાકી છે.

      1. હા, ક્યારેક ટ્રાવેલ્સમાં રેડબસ જેવી એપથી બુકીંગ કરાવીને ગયા હોઈએ ત્યારે બેવડો માર પડે…જ્યારે હવે STની ઘણી સ્લીપર અને એ.સી બસ હવે સારી ફ્રિકવન્સીમાં અને મેઇન્ટેઇન થતી હોય , વધારામાં ઓનલાઈન પેમેન્ટમાં પણ 5%થી10%ની છૂટ મળી રહે છે.

        1. વોલ્વો બસની સુવિધા પણ ઘણી સરસ છે એવું જાણમાં તો છે પણ મોટાભાગે ગાડીમાં ફરતા મારા જેવા જીવ તેના લાભથી વંચિત રહ્યા છે. હવે એપ્લીકેશન મોબાઇલમાં હાથવગી રાખી છે જેથી જાહેર વાહનવ્યવહારનો વધુ ઉપયોગ કરવાની આદત કેળવી શકાય.

          અને તે બહાને કાર્બન ફુટપ્રીંટમાં જે પણ ઘટાડો થશે તે વાતાવરણ માટે છેવટે ફાયદારૂપ જ હશે. #પર્યાવરણ_બચાઓ


          તમે મુળ વાતમાં પાછળથી ઉમેરેલો વધારો જોયો?

    1. બુકિંગમાં તો વાંધો ન આવ્યો, છતાંયે ફરી ક્યારેક એપ પર વધુ ભરોસો કરતા પહેલાં આપના શબ્દોને ધ્યાનમાં રાખીશું.

      બસ પાછળ ક્યારેક સ્વચ્છ અને સમયબધ્ધ વાંચ્યુ હતું!… જો કે એપમાં ક્યાંક GPS Tracking નો ઓપ્શન પણ છે જેનાથી બસ ક્યાં પહોંચી અને ક્યારે આવશે તે જાણવામાં કામ આવે; પણ તેની ચોકસાઇ વિશે જાણકારી નથી.

  2. GSRTCનો મારો અનુભવ પણ બરાબર રહ્યો છે.
    ટેકનોલોજી આવતા બધુ બદલાઇ જાય છે. ૨૦૦૨-૦૬માં ‘ચાણસ્મા-વાપી’માં ઘણી વાર રીઝર્વેશન કરેલ. ત્યારે તો બસ પાછી આવે એટલે રીઝર્વેશન ખુલે. ૧ રુપીયાની ટીકીટ પર સીટ નંબર લખીને રીઝર્વેશન મળે. બસમાં કંડક્ટર ચોકથી સીટ પર ચોકડી મારી રાખે!

    1. વાહ! મસ્ત યાદગીરી છે આપની પાસે.. કેટલીક વાતો ભલે હવેના સમયમાં અપ્રસ્તુત લાગે પણ તે જાણવાનો મને ઘણો આનંદ આવે.. વો ભી ક્યા દિન થે..

      પ્રતિભાવ બદલ આપનો આભાર, મારા બગીચામાં આપનું સ્વાગત છે. 🙏

    1. જરુર તો ઘણી છે અપડેટની, પણ ત્યાં બેઠેલા સાહેબોને એ જરુર જણાશે ત્યારે સુધારો થશે. આટલે સુધી પહોંચ્યા છે તો આપણે હજુ આશા રાખીએ કે સરકાર તેને અપડેટ કરતી રહેશે.

      એમ તો તમે આ એપ્લીકેશનનું ios વર્ઝન જોઇ લેશો તો એમ લાગશે કે તે હજુ આદિમાનવ-કાળમાં છે!


      અને કેમ છો સોહમભાઇ? ઘણાં વર્ષો પછી આજે આપના નટખટ પગલાં મારા બગીચામાં પડ્યા છે!

  3. બસ ભાઈ મજામાં છીએ. હમણાં સમય ની અછત લગભગ તમામ બ્લોગરને થઇ ગઈ છે એટલે એમાંથી હુ પણ બાકાત નથી. હા…હા…હા… (કદાચ તમને છોડીને… 😛 ) આપણે વચ્ચે એકવાર વાત કરી એમ આપ પણ **** માં રહો છો અને હું પણ ત્યાં જ… તો ચાલો એકાદા નાની એવી મુલાકાત ગોઠવીએ તો મજા આવશે. બગીચામાં થોડું ખાતર ઉમેરાઈ જશે અને પ્રેમ રૂપી પુષ્પો વધારે ખીલી ઉઠશે… મારો મોબાઈલ નંબર **** છે. આપ મને એક વોટ્સ અપ મેસેજ કરશો તો આપનો નંબર પણ મારી સાથે આવી જશે. આવજો મિત્ર…

    1. આપને વર્ષો પહેલાં થયેલી તે વાત હજુ યાદ છે તે જાણીને આનંદ થયો. એમ તો હવે વધુ સંબંધો જાળવી ન શકાતા હોવાથી નવા અંગત સંપર્ક બનાવવાથી દુરી જાળવવામાં આવે છે; છતાંયે તેમાં છુટછાટનો અવકાશ રાખ્યો છે. આપણે ચોક્કસ રુબરુ મુલાકાત ગોઠવીશું અને મારો નંબર આપની પાસે આવી જશે..

      અને સમયની અછત તો છે જ ભાઇ, તો પણ આ બગીચાને લીલો રાખવાનો પ્રયત્ન કરું છું. આ માત્ર એક બ્લોગ નથી; મારા માટે રોજનીશી નોંધવાનું સ્થળ છે. તે નિયમિત અપડેટ થાય તો જ તેનો હેતુ સરે એમ છે.


      આ બગીચાના સુરક્ષા અને ઓળખ અંગતતા અધિનિયમ અનુસાર બગીચાના ચોકીદાર દ્વારા આપના પ્રતિભાવમાંથી સ્થળ અને મોબાઇલ નંબર જેવી વિગતો છુપાવવામાં આવેલ છે. 🙏

બોલો, શું કહેવું છે તમારે...