અપડેટ્સ – 200226

બદલાવ પછી એમ હતું કે હવે હું મનફાવે એમ વર્તી શકીશ. કેમ કે જે કરવું હતું એ બધું કરી ચુક્યો છું અને હવે મારી મરજી મુજબ ચાલવાનું છે. પણ ક્યારેક સંજોગો મન મુજબ વર્તવા નથી દેતા હોતા..

આટલા દિવસ ગેરહાજરીના મુખ્ય કારણોમાં હોસ્પિટલના ધક્કા છે! મને તો કંઇ ન’તુ થયું પણ આ વખતે થોડા નજીકના લોકો માટે અલગ-અલગ કારણસર છેલ્લા 10 દિવસો હોસ્પિટલમાં વિતાવ્યા છે.

લાંબા સમય પછી મેડિકલ ફિલ્ડ સાથે પનારો પડયો. દર્દી, દવા, ઇલાજ અને કાગળિયાઓ જ જોયા છે આ દિવસોમાં! વધારે વિચારતા એવું લાગે કે ડોક્ટર્સને આપેલ ભગવાનનો દરજજો પાછો લેવાનો સમય આવી ગયો છે. પૈસાનું પાણી અને શરીરનો કચરો થઇ જાય છે; આ બધામાંથી દુશ્મનને પણ પસાર ન થવું પડે એવી આશા રાખીએ. 🙏

થોડા દિવસ પહેલા દેશનું બજેટ રજુ થયું હતું. જેમાં ઇન્કમટેક્ષ સિસ્ટમમાં થયેલ નવા ઉમેરા સિવાય બીજું નોંધલાયક જણાતું નથી. હવે ઇન્કમટેક્ષ ભરનારને નવી અને જુની પધ્ધતિના ઓપ્શન મળશે! ડાયરેક્ટ ટેક્ષ કોડ – DTC તરીકે જાણીતા આ કાયદા વિશે વધુ માહિતી અહીં નીચે જણાવેલી કડી પર મળી જશે;

મારી જાણકારી મુજબ એકવાર નવી પધ્ધતિમાં જનાર વ્યક્તિને ફરી જુની પધ્ધતિમાં પરત આવવા નહી મળે તેવી જોગવાઇ છે; એકરીતે જુની સિસ્ટમ વધુ ફાયદાકારક જણાય છે એટલે નવી દિશાએ જતાં પહેલા પુરતું વિચારી લેવું. પોતાના આયોજનોને પણ ધ્યાનમાં લઇ લેવા.

લગભગ ભવિષ્યમાં સરકારનો પ્રયત્ન દરેક કરદાતાને DTC – Direct Tax Code તરફ જવાનો હશે. આ વચલો રસ્તો તો અચાનક થતા બદલાવ બાદ આવતી માથાકુટને ટાળવા માટે રાખવામાં આવ્યો હોઇ શકે. ઉતાવળે GST લાગુ કરવાનો અનુભવ ક્યાંક તો કામ આવ્યો.

આ બધામાં કાયદાઓની આંટીઘુંટીઓમાં સી.એ. અને ટેક્ષ પ્રેકટીસનરને વધુ જલ્સા થશે. ચલો, કોઇને તો મંદી નહી નડે.. 😇

જો કે અનુકુળતા કે ફાયદાને બાજુ પર મુકીને કહું તો હું આયકર માટે નવી પધ્ધતિને સરકારી કામકાજની નજરે અને લાંબા ગાળે દેશના પરિપેક્ષ્યમાં વધુ યોગ્ય જણાય છે. ખબર નહી કેમ, દેશની વાત આવે ત્યાંરે હું અંગત નુકશાનને ગણતરીમાં કેમ નથી લઇ શકતો. મારે અમદાવાદી હોવામાંથી રાજુનામું આપી દેવું જોઇએ? 😐

અમેરિકાવાળા શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ મોદીસાહેબ સાથે અમદાવાદ આવ્યા હતા અને આખું અમદાવાદ જાણે માથે લીધું હતું. ના ભાઇ, મને કોઇ વાંધો કે ફરિયાદ નથી. એ બહાને રોડ-રસ્તા વધુ સારા થઇ ગયા અને સ્ટેડીયમ સમય કરતાં 2-3 મહિના વહેલું તૈયાર થઇ ગયું.

આ જે-જે લોકો વધારે ખર્ચો થયાની વાતો કરે છે, તેમના ઘરે તો વેવાઇ પણ ખીચડી ખાઇને પાછા જતા હશે એમ માની લઇએ. મહેમાન આવે ત્યારે ઘરમાં બે નવી વાનગીઓ બને અને થોડી સાજ-સજાવટ થાય તો તેમાં કંઇ ખોટું ન કહેવાય યાર..

દિલ્લીમાં CAA નો ડખો હજુ ચાલુ છે! અને હદ થાય છે હવે તો…

😥


*અભ્યાસુએ સુચવેલ પ્રતિભાવ મુજબ ઉપરની વાતોમાં ઉમેરેલ નવી જાણકારીઃ
– વ્યક્તિગત કરદાતાઓ ઇચ્છે તો દર વર્ષે નવી-જુની પદ્ધતિ પસંદ કરી શકે છે. ધંધાકીય કરદાતાઓને નવી પદ્ધતિ પસંદ કર્યા પછી જુની પદ્ધતિ નહી મળે.

5 thoughts on “અપડેટ્સ – 200226

  1. એક નાનો અમથો સુધારો છે, વ્યક્તિગત કરદાતાઓ ઇચ્છે તો દર વર્ષે નવી-જુની પદ્ધતિ પસંદ કરી શકે છે. ધંધાકીય કરદાતાઓને નવી પદ્ધતિ પસંદ કર્યા પછી જુની પદ્ધતિ નહી મળે. બાકી સરકાર DTC ઇચ્છે છે એ નક્કી છે!

    1. મુળ વેપારી જીવ એટલે તે વિશે જ વધારે ધ્યાન રહે. મારા જ્ઞાનમાં વધારો કરવા બદલ આભાર..

      DTC ની ટ્રાયલ લેવાઇ રહી છે. બની શકે કે આવનારા બે-પાચ વર્ષો પછી કરદાતાઓ માટે પસંદગીનો કોઇ વિકલ્પ પણ ન રહે…

બોલો, શું કહેવું છે તમારે...