લોકો, સરકાર અને કોરોના, આ બધાય ગુનેગાર છે; ભેગા થઈને આખા અમદાવાદની પથારી ફેરવી નાખી છે. કોઇ વિસ્તાર બાકી નથી રહ્યો હવે.
ડેન્જર હાલત છે તોય અમદાવાદમાં મનફાવે ત્યાં બિન્દાસ્ત જઈ-આવી શકાય છે. કોઈ ગંભીરતા પણ જણાતી નથી. અહિયાં લોકો કોરોનાને હળવાશમાં લેતા હોય એવું લાગે છે. સરકારી અધિકારીઓ હવે સરકારી ઢબે કામ કરી રહ્યા છે. કમિશનર બદલીને અને દોષ બીજા ઉપર નાખીને નેતાઓ-અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છુટી જવાના બહાના શોધી રહ્યા છે.
રોગચાળાને કાબૂમાં રાખવા માટે શહેરના મેયર અને રાજ્યના મુખ્યમંત્રી તો સખત કાચા પુરવાર થયા છે. આંકડાની રમત કરીને અને પોતાના વખાણ કરીને હકીકત દબાવી રહ્યા હોય તેવું લાગે છે. સાચી વાત કોઇ કોઇને કહેતું નથી. સરકારે તો હાથ ઉંચા કરી લીધા હોય એવી હાલત છે. અમદાવાદને વુહાન બનતા કોણ અટકાવશે?
વળી આજકાલ તો મેસેજ પણ ફરવા લાગ્યા છે કે કોરોનાથી ડરવાની કોઈ જરૂર નથી! એ વાત સાચી છે કે લોકોને કાયમી ઘરમાં પુરી ન રખાય અને કામકાજ વગર હવે છુટકો નથી; પણ અમદાવાદમાં સ્થિતિ હવે ઘણી નાજુક બની ગઈ છે. અહીયાં તો નાછુટકે કડક શિસ્ત જાળવવી પડે એમ છે.
જ્યાં કોઈ કેસ નથી અથવા તો બે પાંચ કેસ છે ત્યાં લોકડાઉનમાં છૂટ આપવામાં આવે એ સમજાય પણ અમદાવાદમાં લોકડાઉન ખોલીને બધાને આમથી તેમ થવા દેવાનો નિર્ણય મને વિચિત્ર લાગે છે. શહેરમાં લોકડાઉનમાં છૂટ આપ્યા પછીની સ્થિતિની સમીક્ષા કરવી પણ ઘણી જરૂરી છે.
લોકો સોશીયલ મિડીયા પર ફરિયાદ કરી રહ્યા છે કે કોરોના હેલ્પલાઇન ૧૦૪ પર કોઈ જવાબ મળતો નથી. બીમારીના લક્ષણ હોવાની જાણ કરવા છતાંયે કોઈ ટેસ્ટ કરવા પણ આવતું નથી અને એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચતી નથી. મેં જાતે પુરી ખાતરી તો નથી કરી પણ આ વાતોમાં સચ્ચાઈ હોઇ શકે છે.
ત્રણ દિવસ પહેલાં મેડમ અને છોકરાંઓને મુકવા સાસરે જઈ આવ્યો. તે સિવાય અન્ય કામસર બીજા બે ગામમાં પણ જવાનું થયું. જ્યાં જઈએ ત્યાં બધે ગાડી ઉપર લાગેલી નંબર-પ્લેટ જોઈને સ્થાનિક લોકો ભડકે છે!
ભરૂચમાં રહેણાંક સોસાયટીઓએ નિયમ બનાવ્યો છે કે અમદાવાદ-સુરતમાંથી કોઈને સોસાયટીમાં પ્રવેશ ન આપવો અને જો કોઈ ત્યાંથી આવે તો જેના ઘરે આવ્યા હોય એ બધાએ ૧૪ દિવસ ફરજિયાત કવોરનટાઇનમાં રહેવું.
ચીખલી પાસે બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં તો GJ 01 ની ગાડી જોઈને ગામમાં એન્ટ્રી જ ના આપી. એન્ટ્રી ન આપવા બદલ કોઈ ફરિયાદ નથી પરંતુ મને વિચાર એ આવે છે કે ત્યાં આટલી બધી કાળજી લેવાય છે અને કોરોના-જ્વાળામુખી બનેલાં અમદાવાદમાં કોઈ જ રોકટોક નથી.
આ વિષયથી દુર રહેવાનો ઘણો પ્રયત્ન કરું છું છતાંયે વાસ્તવિકતાને કેટલો સમય ટાળી શકાય. દુઃખ થાય છે એ જોઈને કે હવે આ શહેરથી બહાર જતાં દરેક અમદાવાદીને કોરોના-આતંકવાદી તરીકે દેખવામાં આવે છે. હું અહીયાં આવી અપડેટ્સની નોંધ કરીશ એવું તો ક્યારેય ન’તું વિચાર્યું.
🙁
સુરતમાં પણ રામરાજ્ય આવી ગયું છે. 18મી તારીખથી જેવી છૂટછાટ મળી એટલે અહીં પણ દિન પ્રતિદિન કેસ વધી રહ્યા છે. ગામડાંઓમાં લોકો વધારે તકેદારી લઇ રહ્યા છે એ સાચું પણ સામાન્ય બુદદીનો અભાવ બધે દેખાઈ રહ્યો છે. લોકોએ જ તકેદારી નથી રાખવી પછી સરકાર પણ કેટલું કરે. જરાય આઝાદી મળી નથી કે લોકો પીકનીક કરવા નીકળ્યા હોય એમ નીકળી પડે છે. થોડાં છબરડાં તો મેનેજમેન્ટમાં દેખાઈ જ રહ્યા છે પણ હવે લાગે છે ડોક્ટરો, પોલીસો બધા કંટાળ્યા છે. એમાં તકસાધુ રાજકારણ પણ મોટા પાયે રમાતું હોય એમ લાગી રહ્યું છે. વિપક્ષ પણ સાથ આપવાની જગ્યાએ તાવ પર રોટલી શેકવા બેઠો છે. બધું રામ ભરોસે હવે.
વિપક્ષનું તો કામ જ હોય કે પ્રજાહિતમાં સરકારનો વિરોધ કરવાનું, પણ મહામારીમાં રોટલા શેકવાનું તો ભારતના વિપક્ષ પાસેથી શીખશે દુનિયા!
શરુઆતનું પહેલું વાક્ય એટલે જ લખ્યું કે સરકારની સાથે-સાથે લોકો પણ એટલા જ ગુનેગાર છે. કોરોનાનો ગુનો એ છે કે તે દવા વગર અચાનક આવી પડેલી અઘરી બિમારી છે કે જેનાથી બચવા આપણે ટેવાયેલા નથી. અમદાવાદ તો કાબુ બહાર નીકળી ગયું છે; તમે ધ્યાન રાખજો… સુરતની પણ સ્થિતિ બગડી રહી છે. મેનેજમેન્ટ ગમે ત્યારે પોતાનો હાથ ખેંચી લેશે તો રામ-નામ ભરોસે જ દિવસો નિકાળવા પડશે.
કેસ વધી રહ્યા છે, પણ અમદાવાદ અને મુંબઈ માં વધારે જોખમ દેખાઈ છે. અહીં પણ હાથ ઊંચા થશે જ. તમે પણ ધ્યાન રાખજો. આશા રાખીએ જલ્દી સારું થઇ જાય.
અમદાવાદ તો જોખમની સંભાવનાથી આગળ વધીને હવે જ્વાળામુખી બની ગયું છે અને મુંબઈની તો વાત થાય એમ નથી
ખબર નહીં સામાન્ય પરિસ્થિતી થતાં પહેલાં શું-શું જોઈશું..
આજથી બધું ચાલુ થયું છે, પણ લોકો સુધરે એવા એકેય લક્ષણ દેખાતા નથી 🙁
આજની તાજા ખબર: અમદાવાદમાં સ્થિતિ સામાન્ય અને પરિસ્થિતિ અસામાન્ય.