આઇસપાઇસ

~ કાર્તિકભાઇએ તેમની ગોળ ગોળ ધાણીનું અસલી રૂપ બતાવ્યું, તો અમને પણ બાળપણની રમતનું અમારું એવું એક અજ્ઞાન યાદ આવી ગયું! (ક્યાંક ને ક્યાંક તો આપણે સૌ અજ્ઞાની રહેવાના જ.)

~ હા તો વાત ઉપર ટાઇટલમાં લખી એ વિશે જ છે. અમે ત્યારે જેને આઇસપાઇસ કહેતા, તેને હકીકતમાં I-SPY (ગુજરાતીમેં બોલે તો, આઇ-સ્પાય) કહેવાય; એવું અમે છે…ક 30 વર્ષે જાણ્યું હતું!

~ પછી?.. પછી તો ખોબો ભરીને અમે એટલું તે હસ્યા, કે કુવો ભરીને રોઇ પડ્યા…


*અહી બગીચામાં બેસીને ભલે મોટી-મોટી વાતો કરીએ, પણ જો આજે આ ન કહ્યું હોત તો કોઇને ખબર ન પડી હોત કે, અમે બચપનમાં કેવા મુર્ખ હતા! 😀 (વૈસે મૈ મુર્ખ નહી થા; થોડા સા નાદાન થા, જજસાબ..)


નેશનલ અપડેટ્સઃ ઓગષ્ટ’19

~ આજે ભારતવર્ષ માટે અતિમહત્વની એક એવી રાષ્ટ્રીય સમસ્યા વિશે અપડેટ છે કે જે આમ અચાનક જ ઉકેલાઇ જશે એવું મેં સપનામાં પણ વિચાર્યું નહોતું. તેનો આ રીતે એક ઝાટકે ઉકેલ લાવી શકાય છે તેવો અંદાજ કરવો પણ અશક્ય હતો.

~ આ એ સમય છે કે જેમાં બંધારણની કલમ-370 ને નાબુદ તો ન કહેવાય પણ લગભગ નિષ્ક્રીય થતા જોઇ. આ એજ કલમ હતી જે જમ્મુ અને કાશ્મીર રાજ્યને ભારતીયસંઘ સાથે જોડાયેલ અન્ય રાજ્યોથી અલગ ખાસ દરજ્જો આપતી હતી. (ભવિષ્યમાં આ ઘણી મોટી ઘટના કહેવાશે અને મેં મારા બગીચામાં તે વિશે નોંધ કરી છે તેનું પણ અભિમાન થાય છે, બોલો!)

~ 370ની સાથે આર્ટીકલ 35A કે જેમાં J&K ના નાગરિક્ત બાબતે વિચિત્ર જોગવાઇઓ કરવામાં આવી હતી તેને પણ નાબુદ કરવામાં આવી છે. આટલી વિચિત્ર જોગવાઇ એક આઝાદ સાર્વભૌમત્વ ધરાવતા દેશના કોઇપણ ખાસ ભાગમાં કઇ રીતે શક્ય બની હોઇ શકે એ મારી સમજની બહાર છે! (ઉપરાંત તેને આટલા વર્ષ સુધી નિભાવવામાં આવે ખરેખર નવાઇની વાત કહેવાય.)

370 and article 35a removed

~ લદાખના લોકોએ લાંબી લડત લડીને કેન્દ્રીય પ્રદેશ તરીકેનું સ્ટેટસ મેળવ્યું છે. જમ્મુ અને કાશ્મીર સાથે જોડાયેલા આ પ્રદેશે કાશ્મીર તરફ ઝુકેલા રાજકારણના લીધે ઘણો અન્યાય સહન કર્યો છે. આશા છે કે તેમની વિશિષ્ટ ઓળખ અને સંસ્કૃતિ જાળવીને ત્યાં દેશભરના લોકો માટે આકર્ષણ વધારવામાં કેન્દ્ર સરકાર રસ દાખવશે. (યાદ આવ્યું કે, બુલેટ લઇને લદાખના દુર્ગમ ક્ષેત્રોમાં રખડવાની ઇચ્છા અધુરી છે.)

~ કાશ્મીર-લદાખ વિષયે આ પહેલા અન્ય માધ્યમોમાં ઘણું લખાઇ-ચર્ચાઇ ચુક્યું છે એટલે હું વિસ્તૄતમાં નોંધ કરવાનું ટાળુ છું. પણ એકવાત કહીશ કે આઝાદ ભારતના ઇતિહાસની એક મોટી ભુલ સુધારવામાં આવી અને આ સમયચક્રમાં હોવા બદલ હું વધારે આનંદ અનુભવું એ સ્વાભાવિક છે. 

~ આ જાહેરાત થઇ તે દિવસ અને તેના પછીના બે દિવસની સંસદની ચર્ચા દરમ્યાન ગૃહમંત્રી તરીકે અમિતભાઇ શાહનો રુઆબ દેખવા લાયક હતો. લખી રાખજો કે મોદી પછી યોગીની વાત કરનારા લોકોએ હવેથી વચ્ચે શાહને ઉમેરવા પડશે. કોંગ્રેસ? એ તો ભુતકાળ લાગે છે. તેના અંતિમ દિવસો ગણાઇ રહ્યા છે. (વિનાશકાળે વિપરિત બુધ્ધિ! તેના કર્મ તેને લઇ ડુબશે.)

~ ખૈર, હવે વાત POK અને અક્સાઇ ચીન મેળવવાની છે. અક્સાઇ ચીન કરતાં પાકિસ્તાનના કબ્જામાં રહેલાં આપણાં કાશ્મીરના ભાગને મેળવવામાં ભારત સરકાર વધુ રસ દાખવશે એવું જણાય છે. (ભારત સરકારને મારા તરફથી આ મફત સલાહ છે કે, ચીનને હમણાં છંછેડવાથી જે-તે પ્રદેશ સિવાય બીજા ઘણાં ક્ષેત્રે લડવું પડશે; તો એવી ભુલ પણ કરવા જેવી નથી. -એવું મને લાગે છે.)

~ કાશ્મીરની વાત આવે એટલે પાકિસ્તાનનું નામ આવી જાય. જો કે હવે એ દિવસો પણ દુર નથી લાગતા કે જ્યારે આપણે કોઇ પડોશી દેશનું નામ લીધા વગર કાશ્મીર-જમ્મુ કે લદાખ વિશે વાત કરી શકીશું.

~ જમ્મુ અને કાશ્મીરને યુનીયન ટેરીટરી બનાવ્યાની જાહેરાતને હવે મહિનાથી વધુ સમય નીકળી ચુક્યો છે અને આજસુધી કંઇજ અજુગતું નથી બન્યું એ બતાવે છે કે સરવાળે બધું શાંતિના પક્ષમાં રહેશે. (શાંતિના લીધે કેટલાક પત્રકારો અને એકાદ ટીવી ચેનલ રિસાયેલા રહેતા હોય તો ભલે એમ જ રહેતા.)

~ ટ્વીટર ઉપર તો પાકિસ્તાન અને તેના નેતાઓ આજકાલ મજાક-મસ્તીનું કારણ બનેલા છે. તેમની ધમકીઓથી પણ હવે કોઇ ડરતું નથી! એમપણ બિચારાઓને સાંભળનાર આખી દુનિયામાં કોઇ નથી. એક ચીન છે અને એ પણ નામમાત્ર સાંભળે છે. (મુસ્લીમ દેશો મોદીના રાજમાં કાશ્મીર મુદ્દે ભારતના પક્ષને સમર્થન આપે એ પણ એક મોટી વાત છે!)

~ માણસાઇની નજરે વિચારીએ તો દુનિયાભરમાં પોતાના દેશના તિરસ્કારને સહન કરતી સામાન્ય પાકિસ્તાની પબ્લીક માટે થોડો દયાભાવ પણ જન્મે છે. પાકિસ્તાની નેતાઓ, કટ્ટર મુલ્લાઓ અને સેનાએ મોટાભાગના લોકોને પોતાની જીદના નશામાં બાંધી રાખ્યા છે. (જ્યારે લોકોનો એ ભ્રમ તુટશે ત્યારે તેમને તેમની સાચી સ્થિતિનો અહેસાસ થશે.)

~ આજે આટલું ઠીક લાગે છે. બીજી ઘણી ઘટનાઓ આજકાલમાં બની રહી છે જેને નવી અપડેટ્સમાં નોંધવામાં આવશે.

કાશ.. આમ જ ક્યારેક એવો દિવસ આવે કે સવારે ઉઠીને ટીવી ચાલું કરું અને જાહેરાત સંભળાય કે, “ભાઇઓ અને બહેનો, સમગ્ર દેશમાં આજથી કોમન સીવીલ કોડ લાગુ કરી દેવામાં આવ્યો છે!”