તારી હાજરીની કોઇ સાબિતી હોય તો જલ્દી આપ ભગવાન…

– આ વિષયે કદાચ હું પ્રથમવાર જાહેરમાં કંઇ લખી રહ્યો છું અને હું જે વિચારું છું તે જ લખવાનો પ્રયત્ન છે.

– ભગવાન અને તેને માનવાવાળા લોકોના સમુહમાં મારો સમાવેશ હવે નહિવત છે; છતાં પણ કયારેક કોઇની લાગણીને ખાતર કોઇ મંદિરમાં કે કોઇ ધાર્મિક સ્થળે આંટો મારી આવતો હોઉ છું. (તે સ્થળ મારી માટે તો કોઇ બગીચા, ફુટપાથ કે અન્ય પ્રવાસ સ્થળ જેવું જ સામાન્ય છે.)

– અન્ય સ્થળ કરતાં ત્યાં નવી વસ્તુ એ હોય છે કે તે જગ્યાએ કોઇ મુર્તીને કે તેના નામને સર્વ શક્તિમાન ઇશ્વરના સ્વરૂપે ગોઠવવામાં આવેલા હોય છે; અને એ મુર્તીને શ્રધ્ધાળુ લોકો બંધ આંખે (કે આંખો બંધ કરીને) પુજતાં હોય છે!!

– ઇશ્વરને પુજનારા ભક્તોની અતુટ શ્રધ્ધા પ્રત્યે કોઇ ફરિયાદ નથી. આમ પણ ઇશ્વરના અસ્તિત્વ અંગે હવે હું એકદમ સ્પષ્ટ છું. (આજે મારો કોઇ ભગવાન નથી અને કોઇ પ્રાઇવેટ ગુરૂ-બાબામાં શ્રધ્ધા પણ નથી.)

– હું તે લોકોની શ્રધ્ધાને વંદન કરું છું, જેમને એક જડ મુર્તીમાં પણ તેમનો તારણહાર દેખાય છે. હું સ્વીકારું છું કે જીવન જીવવા માટે કયારેક શ્રધ્ધા ઘણી મોટી ચીજ બનતી હોય છે. (પણ મને કયારેય એવા કોઇ ઇશ્વરની જરૂર નથી પડી એટલે મેં મારી શ્રધ્ધાને કુદરતના નિયમ સાથે સીધી જોડી દીધી છે.)

– ચમત્કાર કયારેય થયા નથી કે થવાના નથી. દરેક વસ્તું કુદરતી રીતે ગોઠવાયેલી છે અને તે તેના પ્રમાણે જ ચાલે છે. તેને બદલવું (ભગવાન માટે પણ) લગભગ અશક્ય છે. (કુદરત માટે જે એક સ્વાભાવિક પ્રક્રિયા છે તેને કોઇ ચમત્કાર કે ઇશ્વરની દેન ગણી શકે છે, પણ તેનાથી કુદરતને કોઇ ફેર પડતો નથી કે પડવાનો પણ નથી.)

– રોજે-રોજ કયાંક ને કયાંક ચાલતી કથા-સરઘસ-જાહેરાત ઉપરાંત ઠેર ઠેર બનાવેલા (કે બની રહેલા) મોટા-મોટા, ભવ્યાતિભવ્ય અને ભક્તોની ચાપલુસી (અને અઢળક દાનની કમાણી)થી (અતિ)પ્રખ્યાત મંદિરમાં કે ખોટા-મોટા બાવાઓના આશ્રમોમાં ઠસોઠસ એકઠા થયેલા લોકોને જોઇને કયારેક દુઃખ જેવું થાય. (પણ જો લોકો જ સામેથી લુંટાવા તૈયાર બેઠા હોય તો તેમને લુંટનારાને કેટલીવાર ખોટા કહીશું?)

– આજે એક ભવ્ય ઇમારત (કે જેને બનાવવામાં આસ્થાળું લોકોના કરોડો રૂપિયા ખર્ચાયા છે અને જેનાથી લાખો જરૂરિયાતમંદ લોકોની કરોડો સમસ્યા દુર કરી શકાઇ હોત) એવા મંદિરની મુલાકાત વખતે હજારો લોકોની ભીડ વચ્ચે સાવ એકલી ચુપ-ચાપ ઊભેલી મુર્તી જોઇને મારા મનથી નીકળેલાં શબ્દો…

તારી હાજરીની કોઇ સાબિતી હોય તો,
જલ્દી આપ ભગવાન…
તારા ભક્તોને તું હોવાની..

ઘણી મોટી જાહેરાતો કરવી પડે છે!”


*કાર્તિકભાઇની નજરે “ભીડ” જોઇને આ પોસ્ટ યાદ આવી ગઇ. લગભગ 7 મહિના પહેલા લખાયેલી આ પોસ્ટને ત્યારે જાહેરમાં મુકી નહોતી. (કદાચ કોઇની લાગણી દુભાશે એવો ડર હશે.)

થોડી ફિલસુફી, મનની સાફસુફી..

– આજે ન જાણે કોણ ચઢ્યું’તું મારા બગીચાના ઉંબરે.. જેણે મારા બગીચામાં શાયદ એકાદ વેલાને છોડીને બીજા દરેક વૃક્ષો અને છોડવાઓનો પુરેપુરો અભ્યાસ કર્યો છે!! (જયારે જયારે આવા આકસ્મિક મુલાકાતીઓ આવે ત્યારે કાં’તો કોઇ ઉંડી શંકા ઉભી થાય છે અથવા તો કોઇ મજાનો દોસ્ત મળી જાય છે!)

– આજકાલ ઇમેલ-ફેસબુક મેસેજથી કેટલાક લોકો સાથે અંગત વાતચીત પણ થતી રહે છે, જે લોકોને મારી વાતો ગમે છે અને તે સૌ સજ્જનો નો જાહેર આભાર પણ માનુ છું. (જો કે મારી મોટાભાગની વાતો નિજાનંદ હેતુ જ હોય છે તો પણ કોઇ તેને ગમાડે એટલે અનેરો આનંદ થાય.)

– અત્યાર સુધી અજાણ્યા લોકો માટે હું લગબંધ બંધ રહ્યો છું પરંતુ હવે ખુલ્લા બનવાનો પ્રયત્ન છે. બ્લોગમિત્રોમાંથી આજસુધી માત્ર એક વ્યક્તિને રૂબરુ મળ્યો છું. હા, એક અન્ય મિત્રને પણ મળ્યો છું, પણ તેઓ હવે થોડા અંગત લોકોમાં ગણાય છે. (આ એ મિત્ર છે, જે ચાહે તો મારી વિરુધ્ધ કંઇ પણ કરી શકે છે પણ તે કંઇ નહી કરે તેનો વિશ્વાસ પણ એટલો જ છે.)

– વિશ્વાસ ઘણી મોટી ચીજ હોય છે અને એ જ વિશ્વાસથી અંતર્મુખી સ્વભાવ છતાં હવે ધીરેધીરે અજાણ્યા લોકો તરફ પણ હું વિશ્વાસ ધરાવતો બન્યો છું. કોઇએ કયારેક કહ્યુ’તુ કે સામાન્ય રીતે લોકો એટલા ખરાબ નથી હોતા કે તેમની સાથે થોડી દોસ્તી પણ ન કરી શકાય. (કોઇકે કયારેક વિશ્વાસઘાત કર્યો હોય એ તો હવે નાની સી વાત લાગે છે જેને સહેલાઇથી માફ પણ કરી શકુ છું.)

– જેમને મે ભુતકાળમાં મારો સંપર્ક કે વધુ ઓળખાણ ન આપવાની બાબતે નારાજ કરેલા છે તે લોકોની આજે માફી માંગુ છું. શરૂઆતના સમયે નક્કી કર્યું હતુ કે કોઇને અંગત જીવનમાં નહી પ્રવેશવા દઉ પણ હવે તે નિયમમાં હળવો સુધારો કરવાનો વિચાર છે. (આ વિચાર હજુ વિચારણા હેઠળ છે.)

– કેટલાક ઉત્સાહી લોકોના મતે હું કોઇ લેખક બનવાના, કવિ બનવાના, બ્લોગર બનવાના વગેરે વગેરે ગુણ ધરાવુ છું. કોઇ ખોટુ ન લગાડતા..પ્લીઝ પણ..અત્યારે તો હું એક સારો માણસ બની રહેવા ઇચ્છું છું. (અને તે એક ગુણ થોડો પણ મેળવી લઉ તોયે ઘણું છે.)

– જીવનમાં ચિંતા કે સમસ્યાને કયારેય જાત પર હાવી થવા દીધી નથી કેમકે બને ત્યાં સુધી દરેક બાબતે સલામતી પહેલા ચકાસી લઉ છું. કોઇ આપણને મળીને ખુશ થાય એ જ આપણાં જીવનની મોટી મુડી છે. (જીંદાદિલ માણસ હોવું અને કાયમી તેવા બની રહેવું મુશ્કેલ હોય છે તો પણ પ્રયત્ન તો એ જ રહેશે.)

– એક બાબતે આજે જાત પર ગર્વ છે કે જેને મારો દુશ્મન કહી શકું એવો કોઇ માણસ મારા જીવનમાં નથી, બસ ચારે તરફ માત્ર દોસ્તો અને કુટુંબીઓ છે. (સાંભળ્યુ’તું કે, ‘જીવનમાં આગળ વધવા માટે દુશ્મનો હોવા જરૂરી છે’ – પણ તેમાં હું અપવાદરૂપ છું !! છતાં આગળ વધી રહ્યો છું..)

– આવનારા સમય માટે સ્વપ્નો રાખ્યા છે પણ ભવિષ્યની કોઇ ચિંતા નથી અને ભુતકાળના સંભારણા રાખ્યા છે અને તે અંગે કોઇ ફરિયાદ પણ નથી. વહેતા સમય સાથે નીરંતર વહેતા રહેવું એ મારા જીવનનો મંત્ર બનાવ્યો છે. (કોઇ અણધાર્યા વિધ્નો હવે મને વિચલિત નથી કરી શકતા જેને હું મારી આંતરિક સફળતા ગણી શકું.)

– કોઇ સાથે નથી.. તો હું ખુશ છું અને કોઇ સાથે હોય.. તો ઘણો ખુશ છું, હવે કોઇએ સાથ નિભાવવો કે નહી તે સામેવાળાની સમસ્યા હોય છે. આશા એ છે કે જીવનમાં અત્યારે છે એટલા લોકો તો મારો સાથ નહી જ છોડે અને જો કોઇ છોડી દેશે તો તેનો ડર પણ નથી લાગતો… (આ કોઇ સાધુ બનવાના ગુણ નથી, હું એક સંપુર્ણ સંસારી માણસ છું અને એ જ રહીશ.)

– કેમ જાણે આજે ફિલસુફીભરી વાતો લખવાનો મુડ થઇ આવ્યો હતો એટલે થયું કે આજે પોતાની જાત વિશે કંઇક અધ્યઅન કરી, તેની નોંધ કરી લઉ. (કદાચ અત્યારે એક એવું પુસ્તક વાંચી રહ્યો છું એટલે આવી લાગણીઓ જન્મી હોઇ શકે.)

– ઇશ્વર સૌને સલામત રાખે. ખુશ રહો..

– ॥ અસ્તુ ॥

. . .

ફરી એક નક્કામુ સંશોધન !!!

. . .

# વાત જરા એમ બની કે…. ઉત્તરાયણના બીજા દિવસે મારું પતંગ ઉડાડવાનુ સુખ સહન ન થતા શ્રી પવનકુમારે પલ્ટી મારી હતી અને આખરે ઘણી રાહ જોયા પછી (અને પતંગ ચગાવવાના ઘણાં નિષ્ફળ પ્રયાસ બાદ) પણ પવનકુમાર હાજર ન થયા. એટલે નવરાં બેઠા-બેઠા મારા (એટલે કે “બગીચાનો માળી” પ્રોફાઇલના) ફેસબુક મિત્રો વિશે કરેલું નક્કામું (પણ મારી માટે મજેદાર) સંશોધન તમે ભોગવ્યે જ છુટકો.. :

(*દરેક જગ્યાએ ચોક્કસ સંખ્યા દર્શાવવી ખતરાસ્વરૂપ લાગી એટલે ટકાવારીમાં આંકડા જણાવ્યા છે.)

– મારા કુલ ફેસબુક મિત્રો માંથી 60 % લોકોએ મને Restricted List માં મુકેલો છે !! (વાહ વાહ.. વાહ વાહ.. )

– જો કે વધુ આશ્ચર્યજનક વાત એ છે કે 15 % લોકોએ મને ખાસ મિત્રોના લિસ્ટમાં પણ રાખ્યો છે !!! (થેંક્યુ… થેંક્યુ.. )

– ચુપચાપ remove કરનાર મિત્રો (જે મારી માટે હજુપણ મિત્રો જેવા જ છે તેવા) 2.25 % ગણી શકાય અને 0.09 % (અંદાજીત) એ મને બ્લોક કરેલ છે !! (ભગવાન તેમને પણ રાજી રાખે…)

– આ 0.75 % લોકો મારી સાથે શું share કરવું તે બાબત બહુ ચોક્કસાઇથી નક્કી કરે છે (એટલે કે જે-તે પોસ્ટ મુકવા સમયે જ નક્કી કરે છે.)

– પેલા 2 % લોકોને કઇ જગ્યાએ મુકવા તે બાબતે હું કન્ફ્યુઝ્ડ છું (કેમ કે આ લોકો મારા કરતાં વધુ ચાલાક છે એટલે તેમના મન કળવા મુશ્કેલ છે) અને બાકી રહેલ મિત્રો મારી બાબતે કન્ફ્યુઝ્ડ છે !! (આ બાબતે.. નો કોમેન્ટ્સ) 😛

– ફેક (ખોટી) પ્રોફાઇલ વાળા લગભગ ૩% હશે. (આ સંખ્યા પહેલા ૧૨%ની આસપાસ હતી જેમાંથી ૯% ને મે વિના સંકોચે બહાર કાઢી મુકયા છે.)

– મારા દ્રારા બ્લોક (Block) કરાયેલા મિત્રો (પણ… તેમાં મિત્રતાના કોઇ ગુણ નહોતા) 2% અને મારા દ્વારા Restricted List માં મુકાયેલા મિત્રોની સંખ્યા 1.5% છે.

* યે હૈ મેરી ફેસબુક-દુનિયા કા સચ !!! બોલો, હૈ ના મજેદાર…

નોંધ :
– કોઇ વાચકને (જે મારા ફેસબુક ફ્રેન્ડ પણ હોય તેને) તેમની અને મારી મિત્રતા ઉપરની કઇ કેટેગરીમાં આવે છે તે જાણવામાં રસ હોય (જેમને પોતાના સેટીંગ્સ અને મારી જાણકારી પર ભરોષો ન હોય) તો પર્સનલી મેસેજ કરજો.
– બિલકુલ સાચી અને નિષ્પક્ષ માહિતી આપવામાં આવશે. (કોઇ મિત્રને મારી સાચી માહિતીથી ખોટુ લાગે તેમ હોય તો તેઓ સમજીને દુર રહે તો સારું.)
– કદાચ સાચી માહિતીની સારી/ખરાબ અસર આપણાં ભવિષ્યના સંબંધ પર પડી શકે છે. (અને તેની સંપુર્ણ જવાબદારી જે-તે વ્યક્તિની પોતાની ગણાશે.)
– આ માહિતી તાઃ ૧૫, જાન્યુઆરી, ૨૦૧૨ની સ્થિતિ દર્શાવે છે.

. . .