~ રેડિયો મિર્ચીને દસ વર્ષ પુરા થયાની ઉજવણી ચાલી રહી છે. બે દિવસ પહેલા તેમાં જુના સમયની ઘણી વાતોની ઝલક ફરી સાંભળવા મળી. તો હું પણ યાદ કરી લઉ કેટલીક મમળાવવા જેવી યાદગીરી..
~ સાચ્ચે કહું તો છ-સાત વર્ષ પહેલાના તેના થોડા-ઘણાં રેકોર્ડિંગ મળી જાય તો મને ઘણો મોટો ખજાનો મળ્યા જેવો આનંદ થાય!
~ આ પોસ્ટને આમતો અઠવાડીયા પહેલા મુકવાની હતી પણ થોડુ ટાઇપ કર્યા બાદ ફરી કયારેક વધુ ઉમેરીશ તે ખ્યાલે ભુલાઇ ગઇ હતી.
~ આ એ સમયની વાત છે જયારે મારો સ્વર્ણિમ કોલેજ કાળ ચાલતો હતો. (“સ્વર્ણિમ” શબ્દના ઉપયોગમાં માત્ર ગુજરાત સરકારનો ઇજારો નથી; તેની નોંધ લેશો.)
~ કોલેજમાં વટ પાડવા1 ખાસ નવો ખરીદેલો પર્સનલ મોબાઇલ લઇને જવાતું હતું! જેમાં રેડિયોની સુવિધા પણ હતી!! (તે સમયે નવાઇ ગણાતી ભાઇ..) અને એ જ સુવિધાએ પછી રેડિયોને વ્યસન બનાવી દીધુ..
~ સવારે RJ અર્ચના ના મોર્નિંગ-શો થી આંખ ખુલતી અને રાતના લેટનાઇટ શૉ – પુરાની-જીન્સ અને લવ-ગુરૂ ને સાંભળ્યા બાદ તો આંખોમાં ઉંઘ પ્રવેશતી.
~ તે સમયે અત્યારની જેમ ૨૪ કલાક ના સ્ટેશન નહોતા ભાઇ; રાત્રે ૧૨ વાગે એટલે રેડિયો ઠપ થઇ જતો. ત્યારે મીર્ચીએ એક અજાણ્યા હમસફરની જેમ સાથ નીભાવ્યો છે તે ન ભુલી શકાય..
~ ચાલુ લેક્ચરમાં પ્રોફેસરની બોરીંગ થીયરીથી ઉંઘતા બચાવવામાં મિર્ચીનો મોટો ફાળો છે. એ જ મિર્ચીના સથવારે અમે કંટાળાજનક લેક્ચરમાં પણ 100% હાજરી પુરાવી શકયા છીએ! 😉 (એકવાર પ્રોફેસરના હાથે પકડાઇ પણ ગયા છીએ, પછી જે કંઇ થયુ હતું તે અહી જાહેરમાં લખવા જેવુ નથી.)
~ શરુઆતમાં રેડિયો મીર્ચીનું FM સ્ટેશન 91.9 હતુ જે હવે 98.3 છે. તે સમયે કોન્ટેસ્ટમાં જવાબ આપવાના એક મેસેજના 5-8 રુપીયા થતા. કોલેજ ટાઇમમાં મોબાઇલ-બેલેન્સ બચાવી રાખવુ એ ઘણી મોટી ચીજ હોય છે2; અને તો પણ બેલેન્સની પરવાહ કર્યા વગર પ્રાઇઝની લાલચે જવાબો આપ્યા છે! (જો કે આજ સુધી એકપણ વાર પ્રાઇઝ નથી મળી તે હકિકત છે.)
~ મિર્ચીના નવરાત્રી ગરબાના તાલે રાસ રમ્યા છીએ, ઉત્તરાયણમાં લાઉડસ્પીકરને આખો દિવસ માત્ર રેડિયો મિર્ચીના હવાલે મુકીને ઝુમ્યા છીએ અને આવા તો અનેક તહેવારોની યાદગીરીઓ મિર્ચી સાથે વણાયેલી છે.
~ જુના ગીતો પ્રત્યેના મારા આજના લગાવ માં રેડિયો મિર્ચીનો જ હાથ છે. (હાથ એટલે કે અહી મધુર અવાજ સમજવું.)
“આ અમદાવાદ છે અને અહી રેડિયો ‘મિર્ચી’ ના નામે ઓળખાય છે”
~ તમે ઉપરનું આ વાક્ય તો સાંભળ્યુ જ હશે… જો કે અત્યારની તો ખબર નથી પણ તે સમયે3 રેડિયો સાચ્ચેમાં મિર્ચીના નામે જ ઓળખાતો!!!
# આજે તો ઘણું-બધુ બદલાઇ ચુકયુ છે અને બીજા ઘણાં રેડિયો સ્ટેશન આવી ગયા છે; પણ બે-ચાર વાત આજે પણ એવી જ છે, જેમ કે…
- મારો ફોન ન લાગવો !! (હંમેશા વ્યસ્ત જ મળે છે !!!)
- મને કોઇ પ્રાઇઝ ન મળવી. (ચાહે.. ગમે તેટલા મેસેજ કરો..)
- RJ ધ્વનિતનો અવાજ અને જોશ. (ત્યારે તે સાંજે બમ્પર-ટુ-બમ્પરમાં હતો; અત્યારે હેલ્લો અમદાવાદમાં અમદાવાદીઓની સવાર મધુર બનાવે છે.)
- રાત્રીના સમયના મધુર ગીતો (હવે લગન પછી તેને રેગ્યુલર સાંભળવાનો લ્હાવો લઇ નથી શકાતો.)
- ટ્રાફિક બીટ (ત્યારે જેવી હતી તેવી જ લગભગ આજે પણ છે.)