આ અમદાવાદ છે અને અહી રેડિયો…

~ રેડિયો મિર્ચીને દસ વર્ષ પુરા થયાની ઉજવણી ચાલી રહી છે. બે દિવસ પહેલા તેમાં જુના સમયની ઘણી વાતોની ઝલક ફરી સાંભળવા મળી. તો હું પણ યાદ કરી લઉ કેટલીક મમળાવવા જેવી યાદગીરી..

~ સાચ્ચે કહું તો છ-સાત વર્ષ પહેલાના તેના થોડા-ઘણાં રેકોર્ડિંગ મળી જાય તો મને ઘણો મોટો ખજાનો મળ્યા જેવો આનંદ થાય!

radio mirchi 98.3 fm, રેડિયો મિર્ચી 98.3 એફએમ

~ આ પોસ્ટને આમતો અઠવાડીયા પહેલા મુકવાની હતી પણ થોડુ ટાઇપ કર્યા બાદ ફરી કયારેક વધુ ઉમેરીશ તે ખ્યાલે ભુલાઇ ગઇ હતી.

~ આ એ સમયની વાત છે જયારે મારો સ્વર્ણિમ કોલેજ કાળ ચાલતો હતો. (“સ્વર્ણિમ” શબ્દના ઉપયોગમાં માત્ર ગુજરાત સરકારનો ઇજારો નથી; તેની નોંધ લેશો.)

~ કોલેજમાં વટ પાડવા1 ખાસ નવો ખરીદેલો પર્સનલ મોબાઇલ લઇને જવાતું હતું! જેમાં રેડિયોની સુવિધા પણ હતી!! (તે સમયે નવાઇ ગણાતી ભાઇ..) અને એ જ સુવિધાએ પછી રેડિયોને વ્યસન બનાવી દીધુ..

~ સવારે RJ અર્ચના ના મોર્નિંગ-શો થી આંખ ખુલતી અને રાતના લેટનાઇટ શૉ – પુરાની-જીન્સ અને લવ-ગુરૂ ને સાંભળ્યા બાદ તો આંખોમાં ઉંઘ પ્રવેશતી.

~ તે સમયે અત્યારની જેમ ૨૪ કલાક ના સ્ટેશન નહોતા ભાઇ; રાત્રે ૧૨ વાગે એટલે રેડિયો ઠપ થઇ જતો. ત્યારે મીર્ચીએ એક અજાણ્યા હમસફરની જેમ સાથ નીભાવ્યો છે તે ન ભુલી શકાય..

~ ચાલુ લેક્ચરમાં પ્રોફેસરની બોરીંગ થીયરીથી ઉંઘતા બચાવવામાં મિર્ચીનો મોટો ફાળો છે. એ જ મિર્ચીના સથવારે અમે કંટાળાજનક લેક્ચરમાં પણ 100% હાજરી પુરાવી શકયા છીએ! 😉 (એકવાર પ્રોફેસરના હાથે પકડાઇ પણ ગયા છીએ, પછી જે કંઇ થયુ હતું તે અહી જાહેરમાં લખવા જેવુ નથી.)

~ શરુઆતમાં રેડિયો મીર્ચીનું FM સ્ટેશન 91.9 હતુ જે હવે 98.3 છે. તે સમયે કોન્ટેસ્ટમાં જવાબ આપવાના એક મેસેજના 5-8 રુપીયા થતા. કોલેજ ટાઇમમાં મોબાઇલ-બેલેન્સ બચાવી રાખવુ એ ઘણી મોટી ચીજ હોય છે2; અને તો પણ બેલેન્સની પરવાહ કર્યા વગર પ્રાઇઝની લાલચે જવાબો આપ્યા છે! (જો કે આજ સુધી એકપણ વાર પ્રાઇઝ નથી મળી તે હકિકત છે.)

~ મિર્ચીના નવરાત્રી ગરબાના તાલે રાસ રમ્યા છીએ, ઉત્તરાયણમાં લાઉડસ્પીકરને આખો દિવસ માત્ર રેડિયો મિર્ચીના હવાલે મુકીને ઝુમ્યા છીએ અને આવા તો અનેક તહેવારોની યાદગીરીઓ મિર્ચી સાથે વણાયેલી છે.

~ જુના ગીતો પ્રત્યેના મારા આજના લગાવ માં રેડિયો મિર્ચીનો જ હાથ છે. (હાથ એટલે કે અહી મધુર અવાજ સમજવું.)

“આ અમદાવાદ છે અને અહી રેડિયો ‘મિર્ચી’ ના નામે ઓળખાય છે”

~ તમે ઉપરનું આ વાક્ય તો સાંભળ્યુ જ હશે… જો કે અત્યારની તો ખબર નથી પણ તે સમયે3 રેડિયો સાચ્ચેમાં મિર્ચીના નામે જ ઓળખાતો!!!

# આજે તો ઘણું-બધુ બદલાઇ ચુકયુ છે અને બીજા ઘણાં રેડિયો સ્ટેશન આવી ગયા છે; પણ બે-ચાર વાત આજે પણ એવી જ છે, જેમ કે…

  • મારો ફોન લાગવો !! (હંમેશા વ્યસ્ત જ મળે છે !!!)
  • મને કોઇ પ્રાઇઝ ન મળવી. (ચાહે.. ગમે તેટલા મેસેજ કરો..)
  • RJ ધ્વનિતનો અવાજ અને જોશ. (ત્યારે તે સાંજે બમ્પર-ટુ-બમ્પરમાં હતો; અત્યારે હેલ્લો અમદાવાદમાં અમદાવાદીઓની સવાર મધુર બનાવે છે.)
  • રાત્રીના સમયના મધુર ગીતો (હવે લગન પછી તેને રેગ્યુલર સાંભળવાનો લ્હાવો લઇ નથી શકાતો.)
  • ટ્રાફિક બીટ (ત્યારે જેવી હતી તેવી જ લગભગ આજે પણ છે.)

બેક ટુ બિઝનેસ અને આજની વાત

. . .

– દિવાળીની રજાઓ પુરી થઇ છે. ઘણાં દિવસ મહેમાન, મુસાફરી, મુલાકાત અને મસ્તીમાં પસાર કર્યા હોય ત્યારે કામમાં જોડાવાનું આળસ થાય તે સ્વાભાવિક છે. (એમ તો હવે ઘરે કામ વગર બેસી રહેવાનો કંટાળો પણ આવે છે.)

– ભારતીય પ્રણાલિકા મુજબ મુહુર્ત કરી દીધુ છે અને હવે કાલથી કામમાં જોડાવાનું છે. ( જો કે સમય અને તારીખ જોઇને તો આજથી જોડાવાનુ છે એમ કહેવું પડે !!)

– કોઇ પ્લાન હતો નહી તો પણ રજાઓમાં 5-7 ગામ-શહેર ફરી વળ્યા છીએ એટલે એકંદરે રજા વસુલ(!!) કર્યાનો સંતોષ છે. આ દિવાળી યાદગાર રહેશે એવા એક-બે પ્રસંગ પણ બન્યા છે જેની નોંધ અહી પછી કયારેક લઇશ.

– આ વર્ષે ઘરે આવનારા મહેમાનોની સંખ્યા થોડી વધુ રહી. (ઘણાં સમય પછી મને અહેસાસ થયો કે મારા સગાં-વ્હાલાઓ આટલા બધા છે !! 🙂 ) કેટલાક સંબંધીઓ ને લાંબા સમય પછી મળ્યા નો ઘણો આનંદ પણ થયો.

– ઇંટરનેટ તો લગભગ છુટી ગયું હતું એટલે આજે ઘણાં દિવસે તેને પણ હાથમાં લીધું. ઘણાં ઇમેલના જવાબ આપ્યા છે અને બ્લોગ, ફેસબુક, ઓરકુટ પર એક-એક ચક્કર લગાવ્યો છે. યાર, આ ચક્કર મારવાના ચક્કરમાં અત્યારે રાત્રીના 03:30 (તેને સવારના પણ કહી શકો છો) થઇ રહ્યા છે છતાંયે હુ નવરો પડયો નથી. (બેડ હેબિટ – બીજુ શું !!)

– રજાના દિવસોમાં અમદાવાદમાં ધાર્યા મુજબ જ લોકોની અવરજવર વધુ રહી. કોઇ જગ્યાએ સુખે ફરવાનું સુખ પ્રાપ્ત ન થયું તેનું થોડુક દુઃખ થયું. (જો કે આ કોઇ નવી વાત નથી.)

– કેટલાક એવા ઇ-મિત્રો (એટલે કે.. ઇંટરનેટથી મળેલા મિત્રો !!) મારા જીવનમાં આવ્યા છે જેને અત્યારે તો નવા વર્ષની આકર્ષક ભેટ જ ગણી શકાય. કોઇ પાસેથી જીવતા તો કોઇ પાસે માણતા શીખવા જેવું છે. નિઃસ્વાર્થ મિત્રતા ખરેખર ઘણી સુંદર હોય છે, નહી !!

. . .

# વધારાની વાતઃ

– આજે ભુતપુર્વ (અને મારી માટે તો આજે પણ) વિશ્વસુંદરી ઐશ્વર્યા રાય નો જન્મ દિવસ છે. (જો જો અહી “રાય” પાછળ “બચ્ચન” લખ્યું નથી એટલે એવુ કંઇ વાંચતા પણ નહી.. 😉 )  ચલો બધા મારી સાથે બોલો…. હેપ્પી બર્થ ડે ઐશ્વર્યા…

આજની વાત

તાઃ ૧૧-૯-૨૦૧૧

. . .

– ઇન્દીરા બ્રીજ પાસે ગણેશ વિસર્જનમાં આજે લગભગ ત્રણ કલાક ફસાવવાનો દુ:ખદ (અને અતિ ત્રાસદાયક) અનુભવ થયો.

– અસહ્ય ટ્રાફિક, અશિસ્ત, અતિશય ઘોંઘાટ, બિભત્સ નૃત્ય, અશ્લિલ ગીતો, નશામાં પાગલ ભક્તોની વાહનચાલક તથા પોલિસ સાથેની અસભ્ય વર્તણુક અને ભક્તિનો ઓવરડોઝ એ આજના ગણપતિ વિસર્જનના મુખ્ય અંશ હતા. (બીજુ એવુ પણ ઘણુ બધુ છે જે અત્યારે અહી ઉમેરવું યોગ્ય નથી લાગતું.)

(કહેવાતા) ભકતો દ્વારા છાંટવામાં આવેલા ગુલાલ અને રંગોથી મારી ગાડીના હાલ પણ બેહાલ થઇ ચુકયા હતા. એ તો ભલુ થજો વરસાદનું કે સમયસર વરસીને મારો થોડો ગુસ્સો શાંત કર્યો.

– આખા પ્રસંગમાં કંઇ ગમાડવા લાયક ન લાગ્યું, ઉલ્ટાનું સમય-શક્તિ તથા પેટ્રોલ-ડિઝલ જેવા બહુમુલ્ય મર્યાદિત સ્ત્રોતનો ખોટો વ્યય ઘણો ખુચ્યો. મારા ગાંધીનગર ફિલ્મ જોવા જવાના પ્લાન પર સૌથી વધારે ગુસ્સો ત્યારે આવ્યો જ્યારે ફિલ્મ શરુ થવાના સમયે ભક્ત-લોકો માર્ગ આપે તેની રાહ જોતો હું ગાડી બંધ કરીને ચુપચાપ બેઠો હતો. ( ન આગળ જઇ શકાય, ન પાછા જઇ શકાય..)

– ગણપતિદાદાના ભકતો અને ગણપતિ વિસર્જન પ્રત્યેની મારી નફરતમાં હવે ઘણો વધારો થઇ ગયો છે એટલે બગીચાના મુલાકાતીઓ ને નમ્ર વિનંતી કે આ બાબતે મને એટલિસ્ટ બે દિવસ સુધી છંછેડશો નહી. (એમાંય ગણપતિના ભકતો ખાસ દુર રહે…..)

. . .