. . .
– થોડા દિવસોમાં દુનિયા જાણે ઘણી સ્પીડમાં આગળ નીકળી ગઇ હોય એમ લાગે છે. હજુ જે લગ્નોની અમે વાટ^ જોતા હતા તે બધા ધડાધડ પુરા પણ થઇ ગયા અને બધા પોતાના ઠેકાણે ગોઠવાઇ પણ ગયા! (મસ્તીના દિવસો આમેય જલ્દી નીકળતા હોય એમ જ લાગે.)
– વર્ડપ્રેસની અપડેટેડ આઇફોન એપ્લીકેશનમાં હવે દરેક પ્રકારના નોટીફિકેશન જોઇ શકાય છે તે ઘણું ગમ્યું. (થેન્કયુ વર્ડપ્રેસ!)
– ટેણીયાને અને તેની મમ્મીએ અઠવાડીયા પહેલા ઘરે શાનદાર એન્ટ્રી લઇ લીધી છે. અને મારી એકલતાની મજાનું સુખ અને વિરહનું દુઃખ દુર થયું છે. (એમ તો હું દુઃખી કરતાં ખુશ વધારે છું.)
– વ્રજને સાત દિવસ પહેલા છ મહિના પુરા થયા. સાહેબની ધમાલ અને જીદ હવે થોડી દેખાઇ રહી છે. હવે તો તેના નીચેના બે દાંત પણ બહાર આવી ગયા છે અને ઉપરના દાંત આવવા માટે ઉતાવળા થઇ રહ્યા છે. (બાપ રે.. તેના દાંત સખત ધારદાર છે! – મને તો અનુભવ થયેલો છે પણ જેને શંકા હોય એ આવીને જાત-અનુભવ કરી જાય.)
– આ વખતે તેનો નવો અપડેટેડ ફોટો મારા બગીચામાં જ મુકવાનો પ્લાન છે. અમને ન બતાવ્યો એવી કોઇ ફરિયાદ તો ન કરે. (એમ તો હજુ કોઇએ આવી ફરિયાદ કરી નથી.)
– બે દિવસથી વ્રજની તબિયત થોડી લથડી છે. (સ્પેશીયલ અપડેટ: આ તેની પહેલી બીમારી છે!!^^) આમ તો વધારે કંઇ નથી થયું પણ થોડી શરદી-ઉઘરસ છે. બોલો, તો પણ ડોક્ટરે બે-ત્રણ (નાની-નાની) બોટલ અને થોડી ટેબ્લેટ્સ અમારા હાથમાં પકડાવીને તેને સમયસર વ્રજના પેટમાં પધરાવતા રહેવાનો હુકમ કર્યો છે. (મારો સીધો-સાદો-મીઠો-મધુરો-માસુમ ટેણીયો આજે ડૉક્ટરના નજરે આવી ગયો લાગે છે.)
– બિઝનેસમાં ગયા વર્ષે ઘણાં સુધારા-વધારા કર્યા હતા અને આ વર્ષે પણ કંઇક વધુ મોટા બદલાવ કરવાનો પ્લાન બની રહ્યો છે. (હજુ તો વિચાર કર્યો છે.) જો કે આ વખતના સુધારાઓ કંઇક વધારે મોટા હોઇ શકે છે. (થોડી સમસ્યા થશે પણ મજા આવશે. ફરી કંઇક નવું કરવા મળશે.)
– આજે ખબર પડી કે મેં છેલ્લે થીયેટરમાં જોયેલી ફિલ્મને છ મહિનાથી વધુનો સમય થઇ ગયો છે. (એક સમય હતો જયારે થિયેટરમાં એકપણ ફિલ્મ ‘મિસ’ ન થતી અને હવે તો લેપટોપમાં પણ ટુકડે-ટુકડે માંડ જોવાય છે. જાને કહાં ગયે વો દિન…)
– વેલેન્ટાઇન-ડે અને મેડમનો બર્થ-ડે હમણાં જ ગયો. હંમેશની જેમ વેલેન્ટાઇન-ડે ને ટાળવામાં આવ્યો અને બર્થ-ડે માં માત્ર કેક કાપીને ઘરમેળે જ પ્રોગ્રામ પતાવ્યો. (નોંધ: ‘સસ્તામાં પતાવ્યું’ – એવી કૉમેન્ટ ન કરવી.)
– સર્વેજનો નોંધ લે- હમણાંથી ફેસબુકને અમે ભુલી ચુક્યા છીએ (હવે જો ફરી યાદ આવશે તો જ ફરી ત્યાં દેખાશું), ગુગલ+ માં ગમતું નથી (હજીયે સુની-સુની દુનિયા લાગે છે) અને ઓરકુટને હવે કોઇ પુછતું નથી (જમાનો બદલાઇ ગ્યો છે મારા દિકરા…) એટલે અમે ત્યાં ન મળીયે તો માફ કરજો. જો કે ટ્વીટર સાથે હજુ થોડો બોલચાલનો વ્યવહાર છે!
. .
^વાટ જોવી=રાહ જોવી
^^પહેલી બિમારીના નામે કોઇએ ‘પાર્ટી’ માંગવી નહી,
દોસ્ત.. બિમારીના કંઇ સેલિબ્રેશન ન હોય !
. . .