Feb’21 – અપડેટ્સ

બ્રેક એટલો લાંબો ચાલ્યો છે કે અહિયાં પાછા આવવામાં એ વિચારવું પડે કે હું શું લખું અને શું રહેવા દઉં.

આ સમયકાળમાં ઘણું બની ચૂક્યું છે અને તાપી-નર્મદામાં કેટલાયે પાણી વહી ગયા હશે. (અમારી સાબરમતી  બંધાયેલી છે એટલે તેનો ઉલ્લેખ જાણી-જોઈને ટાળી દીધો છે.)

લોકોને બે છેડા ભેગા કરવા મથવું પડતું હોય છે: અને હુ આજકાલ ફેક્ટરી, ઓફિસ અને ઘર એમ ત્રણ છેડા વચ્ચે મથી રહ્યો છું. વ્યસ્તતા પહેલાંય રહેતી હતી પણ છેલ્લા કેટલાક મહિનાથી હું મારી હદ વટાવી રહ્યો હોંઉ એમ જણાય છે.

પોતાના કંફર્ટ ઝોનથી બહાર નીકળવાના બહાને એટલો આઉટ-ઑફ-કંફર્ટ છું કે સમજાતું નથી કે જે પણ કરી રહ્યો છું એ ઠીક તો છે ને. (ઘણાં સવાલોએ મનમાં કાયમ ઘર કરી લીધું છે.)

કરી રહ્યો છું એ બધું ઠીક છે અને ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ હશે; છતાંયે હું મારી આજને સ્વીકારી શકવામાં અસમર્થ જણાઉ છું. (હું જાણે કોઈપણ રીતે આ બધાથી છટકવા માટે તરફડિયા મારું છું.)

સમય મળ્યે વિસ્તારથી ઘણું બધું નોંધવાની ઇચ્છા છે. હા, તેના પહેલાં એક વિચિત્ર પોસ્ટને ડ્રાફ્ટમાંથી રજા આપવી છે એટલે તેના પછી જ નવી વાતનો વારો આવશે.

ટેકનીકલ વિચારો

થોડા દિવસ પહેલા હોસ્ટીંગ-ડોમેઇન રીન્યુ કરવામાં આવ્યા, તો લાંબા સમય પછી આ બગીચાની ઇ-જગ્યા પર ધ્યાન ગયું અને થયું કે લાંબા સમયથી તેમાં કંઇ નવા-જુની નથી થઇ. (હા, અમને એવું પણ થાય.)

દેખાવ-થીમ તો સેટ જણાય છે, પણ બગીચાના બેકગ્રાઉન્ડમાં ઘણીવાર લીલા બગીચાનું વાતાવરણ ઉભું કરવાની ઇચ્છા થાય છે. (ક્યારેક મસ્ત હરિયાળો બગીચો હતો ત્યાં, પણ હું એમ એક દેખાવમાં અટકું તો ને…)

આમ તો તેવું કરવા જતાં અત્યારની સાદાઇ-સરળતા ખોવી પડે અને સૌથી વધું સમસ્યા બેકગ્રાઉન્ડને લીધે શબ્દોને વાંચવામાં થતી અગવડનો જણાય છે; એટલે ઇચ્છા હોવા છતાયે બેકગ્રાઉન્ડ બદલવાનુ મોકુફ રાખવું પડે છે. (બીજા ભલે ન વાંચે પણ હું પોતે ક્યારેક અહીયા આવીને એમ જ રેન્ડમ-પોસ્ટ જોતો હોઉ છું. મને એવું ગમે છે.)

ખબર છે કે મારા સિવાય કોઇ જોવાના નથી છતાંયે મન મનાવવા બગીચાના દરેક ઇ-પેજના અંતમાં ગોઠવાય એમ હરિયાળી મુકી દિધી છે; હવે મને સારું ફીલ થાય છે! #ફીલગુડ.

જે લોકો વાંચે છે તે એમપણ રીડરમાં જ જોતા હશે એવું મને લાગે છે, તો તેમના માટે આ સુધારાઓમાં કંઇજ નવું નહી હોય. હા, ક્યારેક મારા બગીચાની દરેક નવી પોસ્ટના સ્વયંસંચલિત ઇમેલ અટકાવવાનો નિર્ણય લીધો હતો તેમ રીડરમાં જતી પોસ્ટ-ફીડને પણ અટકાવવાની ઇચ્છા થાય છે. ખબર નહી કેમ પણ એમ લાગે છે કે આ બગીચો ભલે જાહેર-જનતા માટે ખુલ્લો રહે અને કોઇપણ આવે-જાય, પ્રતિભાવ આપે… પરંતુ અહીયાં એ જ આવે જે ખરેખર અહીયાં જ આવવા ઇચ્છતા હોય. મારા લખાયેલા બધા શબ્દો અન્ય કોઇપણ માધ્યમ દ્વારા તેમની પાસે પહોંચીને નાહક કનડગત ન કરે.

હા, જે ચાર-લોકો આ ઠેકાણે નિયમિત આવે છે તે લોકોને પર્સનલી ઇમેલ કરી દઇશ જેથી તેમની ભાવનાઓ સાથે અન્યાય ન થાય. એમ તો વિચારું છું કે બગીચાના જે-જે સોસીયલ પેજ કે એકાઉન્ટ છે તેમાં સમયસર નવી પોસ્ટની ટુંકી જાણ થતી ચાલું રહેવા દઉ; જેને ઇચ્છા હોય એ જ ક્લીક કરીને અહીયાં સુધી આવે. (હા, એ પણ સ્વ્યંસંચાલિત હોય ત્યાં જ; હું અપડેટ કરવા માટે ધક્કો ખાવા નહી જઉ. #બસ_બોલ_દીયા)

એક મોટા સુધારા તરીકે એમ પણ ઇચ્છા થાય છે કે બગીચા સાથે જેટપેકના સંબંધનો અંત કરું. તે જાળવી રાખવાનું મુખ્ય કારણ વર્ડપ્રેસ બ્લોગર્સના લાઇક્સ અને મુલાકાતીઓના રીડીંગ-સ્ટેટ્સ તથા ઇનસાઇટ્સ મેળવતા રહેવાનું હતું. પણ હવે તે માટે ખાસ ઉત્સાહ જણાતો નથી એટલે તે ન રહે તો તેનો વાંધો નથી પણ તેના ન હોવાથી વેબસાઇટ ઘણી જ ફટાફટ ખુલે છે અને મને તેમાં વધુ રસ છે. (આ મુદ્દો સેલ્ફ હોસ્ટેડ બ્લોગ ચલાવતા બ્લોગર્સ જ સમજી શકશે.)

ખૈર, છે તો બધા વિચારો અને ઇચ્છાઓ જ…  છેવટે જે ઠીક લાગશે તે કરીશ.

અને..

green house and a way

એક મોટા અવાજ સાથે દરવાજો બંધ થાય છે. બંધ કરવા માટે લગાવેલ ધક્કો એટલો વધારે હોય છે કે દરવાજાની અંદરની બાજુમાં સજાવેલી વિશાળ ફોટો ફ્રેમ જમીન પર પટકાય છે. પહેલા દરવાજો બંધ થયાનો મોટો અવાજ અને પછી કાચ તુટવાનો તીણો અવાજ શાંત વાતાવરણને થોડીવાર માટે ડહોળી મુકે છે; પણ નાયકને તેની ક્યાં પડી હતી. તે તો હજુયે ખોવાયેલો છે અને ઘણો ગભરાયેલો છે અંદરથી..

તુટેલા કાચ સાથેની ફોટો ફ્રેમ

અખુટ વૈભવથી સજાવેલા રુમનું વાતાનુકુલીત વાતાવરણ પણ આજે શાંત રહેવામાં સાથ આપી રહ્યું નહોતું, માનસિક હાલત પણ બગડી રહી હતી. વિશાળ રૂમની ચાર દિવાલો તેને પોતાની તરફ આવી રહી હોવાનો ભાસ થતો હતો. તેને શ્વાસ લેવામાં પણ તકલીફ જણાઇ હતી; અને યાદ કરે છે કે, અંદરની કોઇ ગુંગણામણથી છુટવા જ તો બહાર દોડી આવ્યો હતો!..

પણ, હજુયે તેની સ્થિતિ એવી જ છે; ખુલ્લા આકાશ નીચે પણ તેનો શ્વાસ હાંફી રહ્યો છે. તે હજુયે કેમ ગુંગળામણ અનુભવી રહ્યો છે, વિચારે છે; કશુંજ સમજાતુ નથી. અનાયાસે જ તે મુખ્ય દ્વારથી ગાઢ જંગલ તરફ જતી ફુટપાથ તરફ વળે છે. સિમેંટથી ચોટાડેલા પથ્થર પર ટક-ટક અવાજ સાથે બુટમાં દબાયેલા બંને પગ વિચારોમાં ખોવાયેલા મન સાથે માત્ર તાલમેલ મેળવવાના પ્રયત્નોથી ઝડપભેર ખત્તરનાક દિશામાં કારણ વગર વધી રહ્યા છે.

Do not enter board, a danger sign

આગળ એક એવું ગાઢ જંગલ છે, કે જ્યાં ફરતા પ્રાણીઓના હિંસક કિસ્સાઓ જંગલથી બહાર પણ લોકજીભે છે. હવે તો અંધારું પણ જંગલ પર તેનો હક જતાવી રહ્યું હતું..

પગ નીચે ફુટપાથ પુરી થઇ ચુકી છે, માત્ર સાંકડી પગદંડી કહી શકાય એવો કાચો રસ્તો દેખાય છે અને જેમ-જેમ જંગલ ગાઢ બની રહ્યું છે તેમ-તેમ પગદંડી પણ વધારે સાંકડી બની રહી છે! પરંતુ પગ આગળ વધી રહ્યા છે, ઝડપથી.. આંખો ચારે તરફ ફરી રહી છે, દેખાતું કંઇ નથી. અને હવે તો ચારે તરફની દિશાઓ સરખી થઇ ગઇ છે, પગ માટે; અને વિચારો માટે પણ! પરંતુ બંને દિશાવિહીન છે, દિશાશૂન્ય પણ કહી શકાય!

અંધકારમય જંગલમાં ભટકતો માણસ

પગદંડીએ પણ તો હવે સાથ છોડી દીધો છે. દોડતા જતા પગને કંઇ સમજાતું નથી કે ક્યાં જવું છે અને પોતાના વિચારો નાયકને ક્યાં લઇ જવા ઇચ્છે છે તે હજુયે તેને કળી નથી શકતો..

શરીરના દરેક ભાગ જાણે મનના ગુલામ બનીને પગ સાથે એવા લાચારીથી બંધાયેલાં છે કે અજાણતાં મનના વિચારોના પ્રત્યાઘાત દર્શાવી રહ્યા છે. અને નાયક? તે તો ઓગળી રહ્યો છે, આ પ્રકૃતિમાં, અંધારા સાથે.. બસ, આગળ વધી રહ્યો છે. આજે તે ખોવાઇ જવા ઇચ્છે છે, આ વિચારોના દંગલથી છુટવા ઇચ્છે છે. જંગલમાં તે કોઇ જંગલી પશુનો ખોરાક બની જશે તેનો ભય પણ નથી લાગી રહ્યો, ઉલ્ટાનું તેનું મન તેને ચીર શાંતિ મેળવવાના માર્ગ તરીકે દર્શાવી રહ્યું છે!

અંધારામાં ભટકતા મનમાં કોઇ ખુણે અચાનક વિચાર ઝબકે છે કે, આવું કેમ બની શકે?; પોતાનું જ મન પોતાને વિનાશના માર્ગે કઇ રીતે દોરી શકે?? આ તેને હકિકત જણાય છે તો પણ તે પોતાને રોકી કેમ નથી શકતો??;

વિરુધ્ધ વિચારોના આંતરિક દ્વંદ્વ યુધ્ધ વચ્ચે વિનાશના વાસ્તવિક વિચારોને અટકાવવામાં તે પોતાની જાતને અસમર્થ અનુભવે છે અને તે તરફ સતત વધતા જતા પગને રોકવામાં પણ! તેણે ડરવું જોઇએ તેવું સમજાય છે પણ તેને ડરનો અહેસાસ નથી. કદાચ અહેસાસની લાગણી પણ તે જાણીજોઇને દબાવી દેવા ઇચ્છે છે. ક્યાંક ઉંડાણથી એવું દર્દ ઉઠયું છે કે તેનાથી છુટવા તે કોઇપણ ભોગે ખોવાઇ જવા ઇચ્છે છે. તેને લાગે છે કે કુદરતમાં વિલિન થઇ જવું એ એકમાત્ર વિકલ્પ છે; તે તો બસ એમ જ કોઇ કારણમાં તેનો અંત ઇચ્છે છે..

પરેશાન મન જ્યારે વિચારો પર હાવી હોય ત્યારે વ્યક્તિનું શરીર આપોઆપ તેના ભાવ પ્રદર્શિત કરતું હોય છે. પ્રકૃતિ પણ જાણે તાલ મિલાવી રહી છે નાયકની આ અવસ્થામાં. તે શોધી રહ્યો છે ઉઠતા હજારો સવાલોના જવાબ ને, અંદર અને બહાર!

તેને બધું અલગ દિશામાં ભાગતું જણાય છે, એક અગોચર દુનિયાનો અહેસાસ થઇ રહ્યો છે. હા, આ એ જ નાયકની મનોસ્થિતિ છે કે જેની સાથે પગ અને મન જોડાયેલા છે અને જેને દુનિયા એક સફળ વ્યક્તિ તરીકે ઓળખે છે! તેને અભિમાન હતું એકઠી કરેલ અખુટ સંપતિ અને અસિમિત શક્તિ પર. પણ આજે ભટકી રહ્યો છે પાગલ બનીને જંગલમાં, બધાથી દુર.. દરેક આરોપનો સજ્જડ પ્રત્યુત્તર આપનાર, હંમેશા જીતનો સ્વાદ લેનાર અને વિરોધીઓને યેનકેન પ્રકારે પરાસ્ત કરનાર આજે હારી રહ્યો છે અંદરથી, પોતાના વિચારોથી..

એક જ સમયે ઘુમરાઇ રહેલા હજારો વિચારોના વંટોળને અલગ-અલગ દિશાઓમાં ભટકતા પગ સાથે કે દિશાશૂન્ય થયેલા મન સાથે કાર્યકારણનો પણ સંબંધ નથી રહ્યો! આસપાસ ખીલેલી પ્રકૃતિમાં ફેલાયેલી શાંતિ આજે તેને ખાવા આવી રહી હોય એવું લાગે છે. આ એજ હરિયાળી હતી જેને તે અનહદ ચાહતો હતો અને આસપાસ એ જ શાંતિ છે જેને મેળવવા તે તરસતો હતો. અહી બધું જ છે ત્યાં પણ તે પોતે ત્યાં નથી, મનથી.. વિચારોથી. અથવા તો તેને ત્યાં હોવાના પોતાના જ અસ્તિત્વને નકારી દેવા ઇચ્છે છે, એક રીતે નકારી જ તો દિધું છે..

અચાનક, ભટકતું શરીર જાણે કોઇ ખડક સાથે ટકરાઇને સખત પ્રત્યાઘાત અનુભવે છે. પોતે કોઇ વિશાળ પથ્થરને અથડાયો હોય એવું નાયકને જણાય છે. વિચારોને અટકાવતો સુપર-બ્રેક લાગ્યો છે! વ્યાકુળ મન હાલની બદલાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા તરફ વળ્યું છે. અંધકારમાં પણ દેખાતી તેની લાલઘુમ આંખો કોઇ અસહ્ય દર્દથી કણસી ઉઠી છે. ભાગંભાગ કરીને થાકેલા પગ હવે ભારે લાગી રહ્યા છે, શરીરના વજનથી જમીનમાં ખુંપી રહ્યા હોય એવું લાગે છે.

તે સ્થિર ગયો છે; જાણે શરીરમાંથી જીવ નીકળી ગયો હોય એમ.. જડ. શુન્ય. નિર્જીવ. હા, તે એક મોટો પથ્થર જ હતો! પણ, તેના મનમાં, વિચારોના વંટોળમાંં! …તેનો અસલ ચહેરો બતાવતો પથ્થર, તેના હજારો સવાલોનો એકમાત્ર જવાબરૂપ પથ્થર, સમાજ પર તેના દૈત્યરૂપ હોવાની હકિકતનો ભારરૂપ ખડક..

આજે પ્રથમવાર તેનો પોતાના રાક્ષસી-રુપ સાથે સામનો થયો હતો! તેને કારણો હવે તેને સમજાઇ રહ્યા છે. તેનું મન એ દરેક વાસ્તવિક્તા સુધી પહોંચી ચુક્યુંં છે, જે સત્યતાનું પોતે જ વર્ષો પહેલાં ખુન કરી ચુક્યો હતો! પોતાના હાથે, નિર્દયતાથી, ઠંડા કલેજે.

પણ સત્ય આજે ન્યાય કરવાના ઇરાદામાં છે. નાયકનો સમય પલટાઇ ચુક્યો હતો. સત્યએ કબ્જો કરી લીધો હતો તેના હોવાપણાં પર, તેના મન-વિચારો-અસ્તિત્વ પર. આ બધું જ તેને અંદરથી, પોતાની નજરમાં જ વિલન બનાવીને કરેલ અન્યાયનો બદલો લેવા માટે થઇ રહ્યું હતું. એ દરેકનો બદલો જેની સાથે નાયકે જીવનભર બહુજ ક્રુર બનીને અત્યાચાર કર્યો હતો, નિર્દોષની લાચારીનો વિકૃત ફાયદો ઉઠાવ્યાનો આ પ્રતિશોધ હતો.

નાયક સાથે થયેલ આ કુદરતી ન્યાય છે… કર્મોની સજા.

👺