. . .
– આજે વાત લખવી છે આપણે ત્યાં થતા લગ્નોની… (બધી નેગેટીવ વાતો છે યાર….. તમે કંઇ સારું યાદ અપાવી શકો તો આપનો આભાર માનીશ…)
– લગ્ન સિઝન તો એટલી જામી પડી છે… સમજાતુ નથી કે આ બધા લોકોને પરણવા (અને પરણાવવા) એક જ ટાઇમ કેમ મળે છે ?? (નક્કી… આ બધી પેલા પોથી પંડિતોની કારીગરી છે.) કયારેક તો એક જ દિવસે એક સાથે ત્રણ-ચાર આમંત્રણ ભેગા થયા હોય (અને “હોમમિનિસ્ટર” નો આદેશ બહાર પડે કે આપણે તો બધ્ધે જવું જ પડશે) ત્યારે તે લગ્નો ‘માણવા’ કરતા ‘પતાવવા’ વધારે જરુરી લાગે !!
– આ લગ્ન સમારંભમાં આટલા બધા લોકોને નિમંત્રણ આપવા અને દરેક લોકોએ આવવું શું એટલું બધુ ફરજીયાત હોય છે ?? ન જાઓ તો પાછા દાઢમાં રાખે કે -“તમે તો અમારા બાબાના લગનમાં આવ્યા પણ નહી….” (જો કે હું તો મને મળતા લગ્ન કે મેળાવડાના ૭૦% પ્રસંગમાં જવાનું ટાળતો હોઉ છું.)
– શોખીન લોકો આજેય ભરબપોરે તડકામાં સુટ-બુટ પહેરીને બે-ચાર કલાક વરઘોડામાં નાચી શકે છે એ તો ઘણી નવાઇની વાત લાગે !!! નાચે ત્યાં સુધી ઠીક પણ આ વરઘોડાના કારણે રસ્તા પર ટ્રાફિકને રોકવો એ કયાનો ન્યાય ???? (મારી ઓફિસ જવાના રસ્તે ત્રણ પાર્ટી-પ્લોટ આવે છે અને દરેક સિઝનની આ એક કાયમી રામાયણ…)
– લગ્નમાં એ જ ચીલા-ચાલું ગીતો અને એક-બે તાજા આઈટમ નંબર (એ પણ દેશી સ્ટાઇલમાં) વાગતા હોય અને લોકો તેના તાલે ઝુમતા જોવા મળે. (પેલું “ભુતની કે…” વાળું સોન્ગ તો ખાસ વાગે…તો પણ કોઇને ઐતરાઝ ન હોય એ તો હદ કહેવાય..)
– આ વરઘોડામાં સૌથી દુઃખી તો એ હોય જેની પાછળ બધા નાચતા-કુદતા હોય..!!! બિચારો એકલો ભોળો થઇને ઘોડી પર બેઠો-બેઠો સપનાં જોવા સિવાય કોઇ કામ ન કરી શકે… (અપવાદ રૂપે કોઇ જગ્યાએ “શ્રી વરરાજા” ઘોડીથી ઉતરીને નાચ્યા હોવાના કિસ્સા નોંધાયેલા હશે પણ એવી ઘટનાનું પ્રમાણ કેટલું ?)
– વરઘોડા દરમ્યાન રસ્તા પર ફોડવામાં આવતા ફટાકડાથી નકામુ અવાજ પ્રદુષણ, કચરો અને રાહદારીઓને ઘણી તકલીફ થતી હોય છે. (પણ…. બીજા લોકોની અહી કોને પડી છે ???) રસ્તા પર ફટાકડા ન ફોડવા અર્થે ઘણાં સમય પહેલા અ.મ્યુ.કો. કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે અને તેનો અમલ ન કરનાર માટે દંડની જોગવાઇ પણ છે. (આમ પણ…અહી નિયમો તો જાણે તોડવા માટે જ બનતા હોય છે ને સાહેબ…!!)
– લગ્ન-પ્રસંગ હવે દેખાડા અને સ્ટેટ્સ જતાવવાનો કાર્યક્રમ બની ચુકયો છે એ તો લગ્ન કરનાર પણ જાણતો હોય છે. (એટલે જ તો ગજા બહાર પણ ખર્ચ કરે છે ભાઇ….) આપણાં દેશમાં જયાં એક સમય પુરતુ ભોજન મેળવવું ઘણાં લોકો માટે સ્વપ્ન સમાન છે ત્યાં મોટા લગ્ન-સમારંભમાં અઢળક ભોજન-સામગ્રીનો બગાડ એ તો હવે સામાન્ય વાત કહેવાય.. (મને એ બગાડ કાયમ ખૂંચે છે.)
– કોઇ નાના-મોટા લગ્ન સમારંભમાં આવેલી ગાડીઓ નો સરવાળો કરો અને તેમણે ખર્ચેલા પેટ્રોલ-ડિઝલનો તાળો મેળવીએ તો સમજાઇ જશે કે આપણે અતિકિમતી એવા મર્યાદિત કુદરતી સ્ત્રોતનો કેવો બેફામ વ્યય કરીએ છીએ… (ત્યારે પબ્લીકને પેટ્રોલ મોંઘુ નથી લાગતુ !!) લગ્ન પણ પાછા ઘર-રહેઠાણથી દુ….ર કોઇ પાર્ટી પ્લોટમાં કરવા એ તો આજની લેટેસ્ટ ફેશન છે !!!
– કોઇ સમય હતો જ્યારે લોકો કોઇ એક સમયે નવરાશમાં રહેતા અને તે સમયે બે-ત્રણ દિવસ કે મહિનાભર ચાલતા લગ્નો સામાન્ય હતા, પણ.. હવે દરેક લોકોનો સમય ઘણો કિમતી છે અને તેનો વિશિષ્ટ ખ્યાલ એટલિસ્ટ લગ્નના આયોજકો એ તો રાખવો જોઇએ. (જયાં લગ્નવિધી જ ૫-૬ કલાક લાંબી ચાલે ત્યાં ન સમજાતા શ્લોકો વચ્ચે પણ બગાસા ખાતા બેસી રહેવાનું ફરજીયાત ન હોવું જોઇએ….)
– અત્યાર સુધી મેં જેટલા લગ્નો “માણ્યા” છે તેનાંથી અનેક ઘણાં લગ્નો “પતાવ્યા” હોવાનો રેકોર્ડ છે. (આ ‘પતાવવા’ વાળા લગ્નોના લિસ્ટમાં મારા પોતાના લગ્નનો પણ સમાવેશ થાય છે બોલો..!!!) ઇશ્વર તાજેતરમાં પરણેલા સૌને રાજી રાખે અને તેમના લગ્નજીવનને માણવાની શક્તિ બક્ષે એવી આશા… બીજુ શું…
. . .
દિવસે તો ઠીક અમારે રાત્રે ૧ વાગે લગ્ન માણવા પડે છે. થેન્ક્સ ટુ બાજુવાળા બંગલો અને કોમન પ્લોટ.
અમારે ત્યાં આ સમસ્યા કાયમી છે !! નવરાત્રી અને લગ્નો – બન્નેમાં સરખી. રાત્રે ૧૨ વાગ્યા પછી લાઉડસ્પીકર પર પ્રતિબંધ છે તો પણ એક-બે વાગ્યા સુધી તો ધમાધમી ભોગવ્યે જ છુટકો…
nice article.
આભાર ભાઇ/બહેન/દોસ્ત/વડીલ,
આપના ‘શબ્દ ટહુકા’ થી આપનું નામ-ઠામ મેળવવા આંટો મારી જોયો પણ નામની જગ્યાએ નિષ્ફળતા મળી છે. શક્ય હોય તો નામ જણાવશોજી જેથી સંબોધન યોગ્યરીતે કરી શકાય.
મારા બગીચાની હરિયાળીમાં આપનું સ્વાગત છે.
યોગ થયો અને આજે આપના બગીચામાં ફરવા આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, અમારી આંખો ઠરી.
હું તો કદી વરઘોડાઓમાં ગયાનું સાંભરતું નથી, (અને આનો કોઈ જાતઅનુભવ પણ નથી ! મારા વડિલોએ વિચાર્યું હશે કે વળી ગધેડાઓનો વરઘોડો શું કાઢવો ??? જો કે એ ઘણો વિષાદયુક્ત વિષય છે ! ક્યારેક વાત) પણ આ “ભુતની કે…” ગીત વાગતું હોય તે તો હદ જ કહેવાય !!! અગાઉના હાસ્યકારોના મોં એ સાંભળતા કે જાન પરણીને આવતી હોય ત્યારે બુદ્ધિમાન બેન્ડપાર્ટીવાળાઓ ’આજ હમ અપની મૌતકા સામાન લે ચલે…’ ગીત ખાસ વગાડતા 🙂
જો કે ભોજન સમયે ખાસ પહોંચી જઉં છું. એ લોકો ઉકરડે ફેંકે અને કૂતરા, ખર કે ભૂંડના પેટ બગડે એ આપણા જેવા પ્રાણીપ્રેમીથી કેમ સહન થાય ! 🙂 મજા આવી. લખતા રહેશો. આભાર.
મુરબ્બી શ્રી અશોકભાઇ,
ધન્ય ભાગ્ય અમારા કે આપ શ્રી અહી પધાર્યા… મારા બગીચાની હરિયાળીમાં આપનું ભાવભર્યું સ્વાગત છે.
આપના આગમનની સાથે-સાથે મારા બગીચાની અનેક ઘણી શોભા વધારતો આપનો સુંદર પ્રતિભાવ જોઇને આજે આ બગીચાના માળીનુ દિલ પણ ગાર્ડન-ગાર્ડન થઇ ગયું બોલો… પ્રથમ તો આપના પ્રતિભાવને તુરંત પ્રગટ થતા રોકી રાખવા બદલ માફી ચાહુ છું. (જો કે “ત્વરિત દિશાસુચક” શ્રી વિનયભાઇની મદદ બાદ ફરીવાર કયારેય એવુ નહી થાય તેની ખાતરી છે.)
આપનો વરઘોડાના જાતઅનુભવનો સમય વહી ચુક્યો છે અને આપણે ત્યાં ફરી ઘોડે ચડવાની પ્રથા નથી એટલે એ વિષાદયુક્ત વિષય અંગે ટિપ્પણી કરવાનુ ટાળુ છું. 🙂 હા, આપનો પ્રાણીપ્રેમ ગમ્યો, પ્રાણી-જીવદયા પ્રેમીઓ આપના આ વિશેષ કાર્યની નોંધ લે અને આપને એકાદ એવોર્ડથી નવાજે એવી આશા..
વરઘોડાના પેલા “યે દેશ હૈ વીર જવાનો કા..” અને “મેરે દેશ કી ધરતી…” જેવા ગીતો નું ડાન્સ કે લગ્ન સાથે શુ કનેક્શન છે એ મને આજેય સમજાતુ નથી.. કદાચ ગાવા-વગાડવા વાળા લોકો.. બધે વાગે છે એમ વિચારીને વગાડતા હશે અને નાચવાવાળા લોકો.. બધા નાચે છે એમ વિચારીને નાચતા હોવા જોઇએ.. સાચી વાત જે હોય તે.. પણ.. પેલા “ભુતની કે….” કરતાં તો સારી જ હશે. 🙂
મારા બગીચાની મુલાકાત બદલ આપનો ખુબ-ખુબ આભાર..
શ્રી દર્શીતભાઈ,
બગીચો સુંદર શણગાર્યો છે. બગીચામાં મિલન થાય, બગીચામાં વાર્તાલાભ થાય.
પછી મનમેળ થાય. એકબીજાને કોલ દેવાય . પછી લગ્નનું નક્કી થાય . આમ બે
દિલોને મેળવવાનું સ્થળ એટલે જ બગીચો.અને હવે બગીચામાં જ લગ્નની વાતો
જાણવા મળે . બોલો બગીચો લગ્નનું માધ્યમ બન્યો કે નહિ?
સરસ લેખ સાથે સરસ રજૂઆત . હવે થોડા દિવસે પુષ્પ (લેખ) સુગંધ લેવા પધારવું પડશે.