આજની વાત – જુના યાર-દોસ્તાર, પાર્ટી અને ઘણું બધુ…

– દિવાળી પછીનો સમય પણ વ્યસ્તતામાં ગુજરે એવું આ વર્ષે પહેલીવાર બન્યું છે. કંઇ લખવા કે નોંધ માટે પણ સમય નથી ફાળવી શકાતો. પણ, એક એવી સુંદર ઘટના બની કે તેની નોંધ આટલી રાતે પણ લઇ લેવી જરુરી લાગે છે. (જો આ લખવામાં બે-ચાર દિવસ જતા રહેશે તો કદાચ તેમાંથી ઘણું ભુલી જઉ તેવી સંભાવના રહેલી છે.)

– સ્કુલટાઇમ ના એક મિત્રનો કાલે ભરબપોરે ફોન આવ્યો. જાણવા મળ્યું કે તે વિદેશથી ઘણાં લાંબા સમય બાદ ભારત આવ્યો છે અને બધા જુના મિત્રો સાથે મળવા માટે તેણે કોઇ પાર્ટીનું આયોજન કર્યું છે. (જુના મિત્રો આમ યાદ કરે ત્યારે એક અનેરો આનંદ થાય કે આપણી જુની દુનિયામાં હજુ કોઇ છે જે આપણને ઓળખે છે.)

– આજના અને કોલેજકાળના મિત્રો કરતાં બચપનમાં બનેલા મિત્રો મને બહુ વ્હાલા. કેમ કે તે સમયે બનેલા મિત્રો મારી સાથે કોઇ આશાથી નહોતા જોડાયેલા, અમે બસ એકબીજાના યાર-દોસ્તાર હતા અને અમારી વચ્ચે નિર્દોષ મિત્રતા બનેલી હતી. (ભાઇ.. હવે તો બધ્ધે નફો-નુકશાનની ગણતરી પહેલા થતી હોય છે, જો કે હવેનો સમય પણ એવો જ છે.)

– આજે રાત્રે તે પ્રોગ્રામ હતો અને ત્યાંથી જ સીધો આવીને લખવા બેઠો છું. પાર્ટીમાં બહુ મજા કરી ઉપરાંત જાણવા મળ્યું કે મારો તે મિત્ર હવે એકલો નથી રહ્યો !! (આજે પાર્ટી આપવાનું મુખ્ય કારણ..) તેણે તેની જીવનસંગીની શોધી લીધી છે. 🙂 (ભારતીય સંસારનો નિયમ છે ભાઇ… કે દરેક ઉડતા પંખીને આખરે પીંજરે પુરાવુ પડે છે.)

– બીજા મિત્રો પણ આવ્યા હતા જેમાંથી બે જણની સગાઇ થઇ ચુકી છે એની જાણ મને હતી. હા, તે બધાને (કપલ તરીકે) રૂબરૂ મળવાનું આજે પહેલીવાર બન્યું. કુલ મિત્રોમાં હવે આઝાદ પંખી કહી શકાય એવા ચાર મિત્રો જ બચ્યા છે. ( આ બધા આઝાદ પંખીઓની મસ્તી જોઇને મને એમ લાગે છે કે હું ઘણો વહેલો પરણી ગયો છું.)

– વર્ષો પછી મળીયે અને તેમાંયે તેમની સાથે કોઇ હોય અને મારી સાથે પણ કોઇ (એટલે કે અમારા શ્રીમતી’જી) હોય ત્યારે મુલાકાત કંઇક અલગ પ્રકારની હોય છે. બીજુ પણ ઘણું બદલાયેલું લાગે, વાતો ના વિષયથી લઇને દોસ્તની સ્ટાઇલ સુધી… બધુ જ !!

– જે દોસ્ત શરમાળ હતો અને અમને એમ હતું કે આ દોસ્ત તેનો સમય આવશે ત્યારે શું કરશે…!!!?? પણ.. તે આજે ડિસ્કો પાર્ટીની અને અમારી દોસ્તીની શાન લાગે છે. જે દોસ્ત છોકરીઓ સાથે વાત કરતાં પણ ગભરાતો તેની પાસે આજે પોતાની બે-ત્રણ ગર્લફ્રેન્ડ છે !!! (વધારે પણ હોઇ શકે છે !!!) જો કે મારા વિશે પણ મારા દોસ્તોને જે શંકાઓ હતી તે મે ખોટી સાબિત કરેલી છે. (એ શંકાઓ કઇ હતી તે હું અત્યારે કોઇને નહી કહું. તે બદલ માફ કરશો.)

– અમે સ્કુલની ઘણી વાતો કરી, એકબીજાની મીઠી-મીઠી મજાક ઉડાવી અને ફરી જલ્દી મળવાનો વાયદો કરી છુટા પડયા. આજે ઘણાં દિવસે કોઇ નવો આનંદ આવ્યો હોય એવું લાગે છે. થેંકસ ટુ ધેટ ઓલ્ડ ફ્રેન્ડસ.

– મિસ યુ ઓલ..

. . .

# અન્ય નોંધ-

– વર્ડપ્રેસ દ્વારા આજથી notification સર્વિસ ચાલુ થઇ છે, હવે બ્લોગની નવા-જુની જાણવા માટે dashboard સુધી જવું જરૂરી નથી. (લગભગ ગુગલ અને “ગુગલ+” માં હોય છે તેવી સેવા લાગે છે.)

– Google દ્વારા તેની બધી સેવાના મુળ દેખાવમાં ઘણાં ફેરફાર થઇ રહ્યા છે, આ બધા ફેરફારની પાછળના કારણ ભગવાન જાણે.. પણ કોઇ ઠેકાણે આ ફેરફારના કારણે બધુ નવેસરથી શીખવું પડે એવુ થાય છે. (gmail ના બદલાવ સાથે સેટ થઇ જવાય એમ છે પણ reader નો બદલાવ ઘણો ખટકે છે… પણ કોઇને કહીએ ?? આપણે તે બાબતે ઘણાં લાચાર છીએ. )

7 thoughts on “આજની વાત – જુના યાર-દોસ્તાર, પાર્ટી અને ઘણું બધુ…

  1. પિંગબેક: » આજની વાત – જુના યાર-દોસ્તાર, પાર્ટી અને ઘણું બધુ… » GujaratiLinks.com
  2. દોસ્તોની વાત અનેરી હોય છે. મારી પાસે દોસ્તોની લેયર સિસ્ટમ છે. સોસાયટી, કૉલેજ, જુના ઘર તરફના મિત્રો, નોકરી વખતે બનેલા દોસ્તો વગેરેનું અલગ અલગ ગૃપ છે. દરેક ગૃપને મળવાની અનૂભુતિ અલગ અલગ હોય છે, પણ આત્મિયતા સરખીજ!

    1. દિપકભાઇ, મારા દોસ્તોમાં તો ઘણાં અલગ-અલગ વિભાગ છે. જુની જગ્યાના-નવી જગ્યાના, જુની સ્કુલના, નવી સ્કુલના, કોલેજના, આજુબાજુના, પપ્પાના મિત્ર સર્કલમાં મારું મિત્ર સર્કલ, કૌટુંબિક મિત્ર સર્કલ, ધંધામાં બનેલા મિત્રો અને ધંધાથી મળેલા મિત્રો, ઓફિસના પડોશીઓનું મિત્ર સર્કલ અને ઘરના પડોશીઓનું મિત્ર સર્કલ વગેરે વગેરે…..અને હવે તેમાં ખાસ વધારો થયો છે ઇંટરનેટ પર મળેલા મિત્રોનું સર્કલ… આમાંથી ઘણાં સર્કલ ઘણો લાંબો સમય સંપર્કમાં ન પણ રહે એવુ બનતું હોય છે. છતાંયે આજે જયારે મળીયે ત્યારે પુરા દિલથી મળીયે છીએ અને જુના સમયની નિઃસ્વાર્થ આત્મીયતા હજુ જળવાઇ રહી છે… જે ખરેખર મારા જીવનની એક મોંઘેરી સંપત્તિ છે..

      આપને પણ મારા મિત્ર સર્કલમાં ઉમેરતાં મને ઘણો આનંદ થશે.. મારા બગીચામાં પધારવા બદલ અને આપની બે વાત વહેંચવા બદલ દિલથી આભાર.

Leave a Reply to Prasham TrivediCancel reply