મારી મોટી મોટી વાતો

– અ.મ્યુ.કો. સાથે ફાઇનલી સેટ-અપ થયું અને મારૂ કામ પુરું થયું. સરકારી ઓફિસમા તમે સાચા હોવ તો પણ ભોગવવાનું તમારા પક્ષે જ હોય છે. (જો કે અગાઉના સુખદ અનુભવથી કામ થોડું સરળ બન્યું હતું.)

– ગઇ કાલે ગણતરી કરીને સરવાળો કર્યો કે મારે એક વર્ષમાં લગભગ ₹ 2,20,000 જેટલો પ્રોપર્ટી-ટેક્ષ ચુકવવાનો થાય છે. (જેમાં ગોડાઉન, દુકાન, ઓફિસ, ઘર દરેકનો સમાવેશ થાય છે.)

– આ ઉપરાંત વર્ષમાં ઇન્કમટેક્ષ, સેલ્સટેક્ષ, પ્રોફેશનટેક્ષ, સર્વિસ ટેક્ષ, રોડ ટેક્ષ, પાણી ટેક્ષ, એજ્યુકેશન સેસ, એડિશનલ સેસ, વેટ, ટોલ ટેક્ષ, સુઅરેજ ટેક્ષ વગેરે સ્વરૂપે વર્ષમાં બીજા કેટલાક-લાખ રૂપિયા ચુકવતો હોઉ છું. (આ બધાનો સરવાળો મેળવવો તો ઘણો મુશ્કેલ છે.)

– આજે સરકાર-નિયમો-બંધારણ માટે મગજમાં ઘણી ભડાશ ભરાઇ છે જેને કયાંક ઠાલવવી જરૂરી છે. પછી હું હળવો થઇને મારા નિયમિત કામે વળગી શકું. (અને અહી બીજાને ધંધે વળગાડી શકું… 😇 )

# એટલે આજે થોડી નક્કામી અને થોડી ‘આઉટ ઑફ ટ્રેક’ વાત…

ખાસ નોંધઃ કોઇએ મગજ ના બગાડવું હોય તો આગળ ન વાંચશો. 🙏 (જાણે મારા કહેવાથી કોઇ રોકાઇ જવાના હતા..)

– આજે વિચારું છું કે હું ટેક્ષ તરીકે જેટલા ચુકવું છું તેના બદલામાં સરકાર તરફથી મને જે સેવા મળે છે તેનું પ્રમાણ કેટલું હશે? શું હું મારા દ્વારા ચુકવવામાં આવેલા ટેક્ષના બદલામાં સરકાર કે સરકારી વિભાગ તરફથી સહકાર, સુરક્ષા કે સુવિધાની આશા ન રાખી શકું? મારા દ્વારા ચુકવવામાં આવતા નાણાંનો કેટલો હિસ્સો સરકાર મારી પાછળ ખર્ચ કરતી હશે ?

– હું બી.પી.એલ. ધારક નથી કે એસ.સી.-એસ.ટી.-બક્ષીપંચ તથા લઘુમતી અને ખાસ-સેલીબ્રીટી પણ નથી કે જેનો મને કોઇ સરકારી લાભ પણ મળતો હોય !!! હું એક એવા સામાન્ય નાગરીકની કેટેગરીમાં છું જેની કિંમત ચુટણીના સમયે એક ‘મત‘ જેવી છે. (કહેવાઉ લાખોનો પણ વેચવા નીકળો તો ફુટી કોડી પણ ન આવે.)

– મને સરકાર તરફથી મને મળતી મુખ્ય સુવિધાઓમાં સુરક્ષા, વ્યવસ્થા, પોલિસ, રેલ્વે, હોસ્પીટલ, પાણી-ગટર અને રોડ-રસ્તા વગેરે વગેરેનો સમાવેશ થાય છે. (વીજળી એ સરકારી સેવા નથી.)

– હવે નવાઇની વાત એ છે કે તે દરેક સુવિધા મેળવવાની કિંમત તેની ફી ઉપરાંત ઢગલો ટેક્ષ સ્વરૂપે હું ચુકવું છું તો પણ સરકાર દ્વારા મને મળતી અપુરતી કે ખામીયુક્ત સેવા બદલ વળતરની કોઇ જોગવાઇ ભારતીય બંધારણમાં નથી. (સરકાર કોઇપણ નાગરિકને ટેક્ષ ચુકવવા માટે ફરજ પાડી શકે એવી જોગવાઇ કરવામાં આવી છે, પણ કોઇ નાગરિક સરકારને સુવિધા પુરી પાડવા માટે ફરજ પાડી શકે એવી કોઇ જોગવાઇ બંધારણે સામાન્ય લોકોને આપી નથી.)

– જેમ ગ્રાહક સુરક્ષા દ્વારા વેપારી-ઉત્પાદક કે સેવા આપનાર સામે અયોગ્ય સેવા/ખામીયુક્ટ વસ્તુ માટે દાવો માંડી શકે છે, તેમ અહી સરકાર સેવા આપનારના સ્થાને છે અને હું તેના ઉપભોકતા તરીકે અયોગ્ય સેવા અંગે દાવો પણ ન કરી શકું તો એ કયાંનો ન્યાય? (ફરિયાદ કરવી હોય તો કરો, પણ તેનો ઉકેલ લાવવો કે નહી તે સરકાર નક્કી કરશે અને વળતરની આશા તો બિલકુલ ન રાખવી.)

– ભારતની રાજનીતિ જે રીતે ચાલી રહી છે અને તેનાથી દેશના જે હાલ થઇ રહ્યા છે તેમાં પણ આપણાં બંધારણનો પણ મોટો વાંક છે. સીધી વાતને સરળ રીતે કહેવાને બદલે ગોળ-ગોળ નિયમોમાં ફેરવીને દરેક કાયદાને જરૂર કરતાં મોટું સ્વરૂપ આપી દીધું છે. (જે બંધારણે લોકોને આંદોલન કરવાનો હક આપ્યો પણ એ જ બંધારણે સરકારને ઘણી સત્તા આપી રાખી છે એટલે નાના-મોટા આંદોલનનું એકાદ ‘બ્રેકિંગ ન્યુઝ’ સિવાય બીજું કંઇ ઉપજતુ નથી.)

– એક તરફ જે કલમ દેશના દુશ્મનને ફાંસીએ ચઢાવવાનો મજબુત કાયદો બનાવી આપે છે, તે બીજીબાજુ દયાના નામે દુશ્મનને પાળતા રહેવા મજબુર કરે, એ આપણાં બંધારણ અને તેને અનુરૂપ ચાલતા તંત્રની ઘોર નિષ્ફળતા છે. (સામાન્ય નાગરિક સાથે ઉઘરાણી માટે કડક હાથે વર્તવાની જોગવાઇ ધરાવતા કાયદાઓમાં ખત્તરનાક ગુનેગારો માટે ભરપુર દયાળું જોગવાઇઓ છે!) આપણે ત્યાં નાગરિક કરતાં વધારે સુરક્ષા ત્રાસવાદીઓ અને નેતાઓ માટે હોય છે!! (કાયદાના મતે તે લોકો દેશ માટે ઘણાં અગત્યના છે!! અંધા-કાનુન… )

લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો માટે અને લોકો વડે ચાલતી વ્યવસ્થા અને ભારતીય લોકશાહી એટલે સરકારી અધિકારીઓ દ્વારા, ટેક્ષ ઉઘરાવીને, પૈસા માટે, રાજકીય પક્ષ વડે ચાલતી વ્યવસ્થા. (આવું કયાંય લખ્યું નથી; આ અર્થ મારો પોતાનો બનાવેલો છે.)

– આ બધુ એટલે સ્વીકારી લેવાયું છે કેમ કે અહી પ્રજા હક પ્રત્યે જાગૃત નથી અને ફરજ પ્રત્યે જવાબદાર નથી. આઝાદી માત્ર કાગળ પર દેખાય છે, આપણે હવે મત આપીને ચુટેલી સરકારના ગુલામ છીએ. (કદાચ આપણી ચામડી ઉપર ગુલામીના થર એટલા જામી ગયા છે કે આપણને ગુલામ હોવાનો અહેસાસ પણ નથી.)

– દરેક નાગરીકને સમાન અધિકાર આપનાર બંધારણની જોગવાઇ નીચે જ ઢગલો ભેદભાવ ફુલી-ફાલી રહ્યા છે. કોઇ ચોક્કસ જ્ઞાતિ, ધર્મ અને વર્ગ માટે સ્પેશીયલ નિયમો બનાવવામાં દરેકને સમાન અધિકાર આપવાની વાત હવામાં ‘છુ‘ થઇ જાય છે. પણ તેને પડકારે કોણ ? (ભગવાન જાણે સમાન સિવિલ કોડ કયારે આવશે.)

– આજે પેલા સંસદ સુધી પહોંચી ગયેલા ધારાસભ્યો પોતાને અને સંસદને સર્વોચ્ચ ગણાવે છે. બંધારણ મુજબ લોકો તેમનું કહેલું સ્વીકારવા મજબુર બની જાય તો તે પણ એક પ્રકારની ગુલામી જ કહેવાય. (હું બંધારણનો ગુલામ, બંધારણીય ધારાસભ્યોનો ગુલામ કે પછી બંધારણીય સંસ્થાનો ગુલામ….. શું માનવું?)

– બંધારણના આમુખમાં લખવામાં આવેલ છે કે ‘અમે ભારતના લોકો’ આ બંધારણને અનુસરવાનું નક્કી કરીયે છીએ. (જયારે.. ભારતના ૧% લોકો પણ દેશના મુળ બંધારણ વિશે જાણતા નહી હોય.)

– કોઇ વ્યક્તિએ કહ્યું હતું કે, ‘આપણું બંધારણ કચરાપેટીમાં ફેંકી દેવા લાયક છે.’ (ઘણી એકતરફી જોગવાઇઓને કારણે હવે મને પણ કયારેક એવું લાગે છે.)

– બંધારણમાં નાના-મોટા સુધારા ઘણાં થયા છે, પણ હજુ સુધી તેના કેન્દ્રમાં નાગરિકો માટે સુવિધાની જવાબદારીની જગ્યાએ સરકારની સત્તાનુ પ્રમાણ ઘણું મોટું છે.


છેલ્લે, કયાંક વાંચેલું એક વાક્ય (કદાચ તુષાર ગાંધી દ્વારા લખાયેલ) – ‘કોણ કહે છે કે ખંડણી લાંબો સમય નથી ટકતી… ભારતમાં ઇન્કમટેક્ષનો કાયદો ૧૫૦ વર્ષ જુનો છે!’

8 thoughts on “મારી મોટી મોટી વાતો

  1. બંધારણ આપણને નકામું લાગે છે કારણ કે આપણે એ બંધારણનો ઉપયોગ નથી જાણતા. આપણે એ બંધારણનો ઉપયોગ કરી આપણા હક્કો માટે લડતા નથી શીખતા અથવા આપણે બહુ જલ્દી હથિયાર મૂકી દઇએ છીએ. બાકી આ જ બંધારણ અને કાયદાઓનો ઉપયોગ કરીને સુબ્રમ્ણ્યમસ્વામી જેવા સરકારને પણ ઝુકાવી રહ્યા છે.
    તમે લાખો રૂપિયા કર પેઠે આપશો એટલે લાખો રૂપિયાનું વળતર તમને મળશે એવું તો ક્યારેય અને દુનિયાના કોઇ પણ દેશમાં શક્ય નહીં બને. જો મૂકેશ અંબાણી પણ વળતરનું વિચારવા લાગે તો એ તો બિચારો વિચારી વિચારીને ગાંડો થઇ જાય. 🙂
    કાયદો એ બહુ ગહન વિષય છે અને મોટા ભાગના લોકોની સમજથી પર હોય છે અને એટલે જ કાળા કોટવાળા કાયમ માલામાલ હોય છે. 🙂

    1. પહેલા તો તમે આટલી લાંબી વાત વાત વાંચવાની તસ્દી લીધી.. ગમ્યું હોં 🙂 આભાર. તમારી વાતથી સહમત અને મોટાભાઇ બંધારણને હું નકામું નથી કહેતો, તેને થોડું ભુલભરેલું કહેવાનો મારો મત છે.

      બંધારણ હોવું તો જરૂરી છે પણ તેની જોગવાઇ અને કાયદાના મુળમાં નાગરિક હોવો જોઇએ તેવો મારો મત છે. સુબ્રમણ્યમ સ્વામી સરકારને ઝુકાવી રહ્યા છે તેમાં બેમત નથી પણ તેની પ્રક્રિયા કેટલી જટિલ અને ગુંચવાડા ભરેલી છે કે તે સાચા છે કે ખોટા તે નિર્ણય કરતાં લાંબો સમય નીકળી જાય છે. મુકેશ અંબાણીવાળું ઉદાહરણ મસ્ત આપ્યું. 🙂

      કાયદા અને બંધારણને સમજવા માટે ઘણીવાર મથામણ કરી છે પણ તેમાં વપરાયેલી સરકારી ભાષા જોઇને અકળામણ થવા લાગે છે. 🙂 એટલે કાળા કોટવાળાની ગુલામી પણ ભોગવવી પડે છે… 🙁

      1. જે અકળામણની વાત તમે કરો છો ને બસ એ અકળામણ દૂર થઇ જશે તો આપોઆપ બીજી બધી અકળામણો પણ દૂર થઇ જશે. 🙂

        કાયદાને સમજવો અને ન્યાય મેળવવો ક્યારેય સહેલો નથી હોતો પછી એ ઇન્ડિયા હોય કે બીજો કોઇ દેશ હોય. આ જ વિષય પર બ્લોગ પર 2-3 વર્ષ પહેલા એક પોસ્ટ લખી હતી એમાં સિંગાપોરમાં થયેલ અનૂભવ વિશે વાત લખી હતી.
        http://krunalc.wordpress.com/2010/01/02/%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%af-%e0%aa%ae%e0%ab%87%e0%aa%b3%e0%aa%b5%e0%aa%b5%e0%ab%8b-%e0%aa%85%e0%aa%98%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%9b%e0%ab%87/

        આ ઉપરાંત જેલ મૂવી જોયા બાદ પણ એક પોસ્ટ લખી હતી. http://krunalc.wordpress.com/2010/10/15/%e0%aa%9c%e0%ab%87%e0%aa%b2-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%af%e0%aa%a4%e0%aa%82%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0/

        જ્યારે સમયની અનૂકુળતા હોય ત્યારે વાંચજો.

  2. સામાન્ય પ્રજા વધુ માત્રામાં કર ભરવા માટે પ્રેરાય તે માટે પણ સરકારે કર ભરનારા લોકો અને કર ભરનારા લોકોના કારણે જલસા કરનારા લોકો ^_^ વચ્ચે એક ભેદરેખા ઉભી કરવી જોઈએ.કેટલીક સગવડોમાં કર ભરનારા લોકોને પ્રાથમિકતા પણ આપી શકાય.પણ અહી તો અંધેર રાજ છે.કર ભરનારી પ્રજા તેમના માટે બનાવેલી ફૂટપાથ ના બદલે સડક ઉપર ચાલે છે.કર ભરનાર વાહનચાલક તેમની સડકની સગવડતા ગુમાવી તેમને સહન કરે છે.ફૂટપાથ પર દુકાન ધરાવતો દુકાનદાર કર ભરવા છતાય તેની સામે ફૂટપાથ ઉપર પથારો પાથરી રસ્તાનો માલ સસ્તામાં વેચતા ફેરિયા કે જે કોઈપણ પ્રકારનો સરકારી કર ચુકવતા ન હોવા છતાય દાદાગીરી કરી તમામ સરકારી લક્ઝરી ભોગવે છે.હવે પ્લીઝ કોઈ એવી દલીલ ન કરશો કે આ ફેરિયા બિચારા જેમતેમ પોતાનું ગુજરાન ચલાવે છે …તેઓ શહેરની પ્રાઈમ જગ્યા મફતમાં મેળવી તે સ્થળે રોજનો હજારો રૂપિયાનો (દિવાળી જેવી સિઝનમાં લાખોનો પણ..) વેપાર કરે છે તેમના ઠાઠમાઠ માં કોઈજ કમી નથી ભદ્ર થી ફુવારા,લાલદરવાજા,રીલીફ રોડ ,દિલ્હીદરવાજા જેવા કેટલાય વિસ્તારોની આ સત્યકથા છે.
    સ્કૂટર.બાઈક,કાર ખરીદો તો તેની ઉપર મોટી માત્રામાં કર લાગે કારણકે તે લકઝરી આઈટમ ગણાય સેલ્સ ટેક્ષ તેમજ કેટલીયે જાતના કર લાગે ઉપરાંત આર.ટી.ઓ. ચાર્જ પણ ચૂકવવાના,ઉપરાંત લાઈફ ટાઇમ મ્યુની.ટેક્ષ પણ ખરો જ..આટલા અ ધ ધ ધ કર ચૂકવ્યા પછી શહેરમાં ક્યાય તેને ફ્રી પાર્કિંગ પણ નહિ મળે,જો ભૂલેચૂકે તક મળે તો ટોઈંગ થઇ જાય તો પહેલા ગુન્હા માટે દંડ ભરો તમારું અગત્યનું કામ જાય ચૂલામાં…સી.જી.રોડ તથા બીજી કેટલીક જગ્યાએ સરકાર પોતે ઉપરથી પાર્કિંગ ચાર્જ પણ વસુલ કરે..!! આટ આટલા કર લીધા પછી પણ તેને આ શહેરમાં રોડ ,પાર્કિંગ જેવી સગવડ ના આપી શકો ?શહેરમાં વધુ જગ્યા નથી તો ટ્રેન ની ટીકીટની જેમ આડેધડ નવા વાહનો શા માટે ઇસ્યુ કરવામાં આવતા હશે?
    કદાચ કર ન ભરવો ,ઓછો ભરવો ,નછુટકે ભરવો તેવી પ્રજાની માનસિકતા પાછળ આજ કારણ હોઈ શકે..!!

    1. કદાચ દરેક કરદાતાને શંકાની નજરે જોવાની તંત્રની નીતિના કારણે કર ભરવા પ્રત્યે લોકોની ઉદાસીનતા વધારે હોઇ છે. સરકારનું અને કાયદાનું કામ એ છે કે વધુ કમાતા લોકો પાસેથી વધુ કર વસુલીને ઓછી આવકવાળા કે ગરીબ લોકોની માટે નીચી કિંમતે સગવડ ઉપલબ્ધ કરાવવી. સાધનોની સમાન વહેંચણીનો સિધ્ધાંત સરસ છે પણ તે મુજબ બને તો…. !!!

      આપણે ત્યાં કર ભરનારને આવકના સ્ત્રોત તરીકે જોવાને બદલે કરચોર તરીકે જ સ્વીકારવામાં આવ્યો છે અને સામે પક્ષે લોકો અનેકવિધ ટેક્ષના ભારણથી બચવા ટેક્ષચોરીમાં પોતાની બચત ગણે છે…

      જો કે સમાન્ય માણસ દરેક ટેક્ષ કાયદેસર ભરીને ઇજ્જતદાર નાગરિક તરીકે જીવવા ઇચ્છે છે પણ તંત્રની કરનીતિ તેને તેવું કરવા નહી દે. એક બિઝનેસ ચલાવનાર તરીકે હું સો ટકાની ખાતરી સાથે કહી શકું કે કોઇ ધંધાદારી વ્યક્તિ સંપુર્ણ ટેક્ષ ભરીને પોતાનો ધંધો ચલાવી ન શકે કે ચલાવી જાય તો કંઇ ખાસ કમાઇ ન શકે અને કોઇ પગારદાર કયારેય ઘર-જમીન ન ખરીદી શકે. (જમીન-મકાન લેવામાં ૬૦-૪૦નો રેશીયો જગજાહેર સિકરેટ છે.) કેમ કે ભારતીય કરપ્રણાલી, જોગવાઇ અને તેની છટકબારી એટલી છે કે સંપુર્ણ દોષમુક્ત ધંધો-વ્યવસાય અંબાણી કે બીરલા માટે પણ શક્ય નથી. 🙂

    1. અહી વાત વેરા ચુકવવાની ટકાવારી કે તેની તુલના કરવાની નથી, પણ વેરાના બદલામાં સરકાર તરફથી મળતી સુવિધાના પ્રમાણની વાત છે. વેરાના પ્રમાણમાં ૧૦૦% સુવિધા સરકાર ન આપી શકે તે સમજાય, પણ લગભગ ૨૫-૩૦% સુવિધાની આશા તો નાગરિક રાખી શકે ને.. અને તે આપવા માટે સરકારને જવાબદાર ગણી શકાય કે નહી ?

બોલો, શું કહેવું છે તમારે...