Jul’20 : અપડેટ્સ

કોરોનાકાળમાં જીવી રહ્યા છીએ એ જ આજની મોટી અપડેટ છે. 

અમદાવાદમાં કોરોના સંક્રમણનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે અને એ જ ગતિથી આ શહેર સામાન્ય સમય તરફ આગળ વધી રહ્યું છે.

જીજીવિષા દરેકમાં છે અને હવે ડરીને રહેવું મંજુર ન હોય એમ બધા લડી લેવાના મુડમાં દેખાય છે. આ સમયે શહેરમાં ઘરેથી બહાર નિકળતો દરેક વ્યક્તિ યોધ્ધા સમાન છે. દરેક્ને શ્રધ્ધા છે કે તેને કંઇ નહિ થાય અને ક્યાંક મનમાં ડર છે તો તે પણ હવે મજબુરી નીચે દબાઈ ગયો છે.

હવે કોઇને બેદરકાર કહીને અપમાન કરવું ઠીક નથી લાગતું. પોતાનો જીવ બધાંને વ્હાલો છે એટલે થઈ શકે એટલાં પ્રયત્ન તે કરશે જ.

અંગત રીતે ન ઓળખતા એવા લોકોએ પણ અમદાવાદ મુકીને થોડો સમય બહાર નિકળી જવા માટે સલાહ આપી છે. તેમની લાગણી બદલ આભાર પણ હું આ શહેરને એમ છોડી શકું તેમ નથી. મને મનમાં પુરો વિશ્વાસ છે કે આ શહેર જલ્દી ઉભું થશે. હું હજુ હિંમત હાર્યો નથી, મારું અમદાવાદ પણ હિંમત હારે એમ નથી.

મેડમજી અને બાળકોને નાના-નાની પાસે ભરૂચ રહેવા મોકલ્યા તેને હવે મહિનો થવા આવ્યો છે. કન્ફ્યુઝ છું કે તેમને હવે લેવા જવું કે નહિ. અહી સ્થિતિ ડેન્જર તો છે; સાથે-સાથે એમપણ થાય છે કે આ સમયે બધા સાથે હોય તો સારું.

અમારી સોસાયટીમાં ત્રણ ઘર પછીના ઘરે એક ભાઇ કોરોનાને સોસાયટીમાં લઇ આવ્યા હતા. હોસ્પિટલમાંથી ઠીક થઇને કાલે જ ઘરે પહોંચ્યા છે. SVP હોસ્પિટલ અને સરકારી વ્યવસ્થાના ભરપેટ વખાણ પણ કરી રહ્યા છે. બીજું બધું તો ઠીક, હવે અમારો ડર ઓછો થઇ ગયો છે.


ઉપરની વાતો અઠવાડિયા પહેલાં લખાયેલી પડી હતી, પણ આજેય સ્થિતિ એવી જ છે. નવું એટલું છે કે આજકાલ અમદાવાદ કરતાં સુરતમાં આંકડા ઝડપથી વધી રહ્યા છે. એમ તો આ આંકડાની માયાજાળમાં પડવા જેવું નથી કેમ કે અસલી ચિત્ર રમેશભાઈ સારી રીતે જાણે છે.

અને હા-ના કરતાં-કરતાં મે પરિવાર ભેગો કરી લીધો છે. ઘરમાં બાળકો સાથે હોય તો એક આનંદ છવાયેલો રહે છે. બધા સલામત રહીશું એવો વિશ્વાસ છે. જો કે થોડી ચિંતા જેવી વાત એ પણ છે કે આસપાસની સોસાયટીઓમાં હવે નવા 5 કોરોના-દર્દી છે!

😰

અમદાવાદીઓ મરશો

લોકો, સરકાર અને કોરોના, આ બધાય ગુનેગાર છે; ભેગા થઈને આખા અમદાવાદની પથારી ફેરવી નાખી છે. કોઇ વિસ્તાર બાકી નથી રહ્યો હવે.

ડેન્જર હાલત છે તોય અમદાવાદમાં મનફાવે ત્યાં બિન્દાસ્ત જઈ-આવી શકાય છે. કોઈ ગંભીરતા પણ જણાતી નથી. અહિયાં લોકો કોરોનાને હળવાશમાં લેતા હોય એવું લાગે છે. સરકારી અધિકારીઓ હવે સરકારી ઢબે કામ કરી રહ્યા છે. કમિશનર બદલીને અને દોષ બીજા ઉપર નાખીને નેતાઓ-અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છુટી જવાના બહાના શોધી રહ્યા છે.

રોગચાળાને કાબૂમાં રાખવા માટે શહેરના મેયર અને રાજ્યના મુખ્યમંત્રી તો સખત કાચા પુરવાર થયા છે. આંકડાની રમત કરીને અને પોતાના વખાણ કરીને હકીકત દબાવી રહ્યા હોય તેવું લાગે છે. સાચી વાત કોઇ કોઇને કહેતું નથી. સરકારે તો હાથ ઉંચા કરી લીધા હોય એવી હાલત છે. અમદાવાદને વુહાન બનતા કોણ અટકાવશે?

વળી આજકાલ તો મેસેજ પણ ફરવા લાગ્યા છે કે કોરોનાથી ડરવાની કોઈ જરૂર નથી! એ વાત સાચી છે કે લોકોને કાયમી ઘરમાં પુરી ન રખાય અને કામકાજ વગર હવે છુટકો નથી; પણ અમદાવાદમાં સ્થિતિ હવે ઘણી નાજુક બની ગઈ છે. અહીયાં તો નાછુટકે કડક શિસ્ત જાળવવી પડે એમ છે.

જ્યાં કોઈ કેસ નથી અથવા તો બે પાંચ કેસ છે ત્યાં લોકડાઉનમાં છૂટ આપવામાં આવે એ સમજાય પણ અમદાવાદમાં લોકડાઉન ખોલીને બધાને આમથી તેમ થવા દેવાનો નિર્ણય મને વિચિત્ર લાગે છે. શહેરમાં લોકડાઉનમાં છૂટ આપ્યા પછીની સ્થિતિની સમીક્ષા કરવી પણ ઘણી જરૂરી છે.

લોકો સોશીયલ મિડીયા પર ફરિયાદ કરી રહ્યા છે કે કોરોના હેલ્પલાઇન ૧૦૪ પર કોઈ જવાબ મળતો નથી. બીમારીના લક્ષણ હોવાની જાણ કરવા છતાંયે કોઈ ટેસ્ટ કરવા પણ આવતું નથી અને એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચતી નથી. મેં જાતે પુરી ખાતરી તો નથી કરી પણ આ વાતોમાં સચ્ચાઈ હોઇ શકે છે.

ત્રણ દિવસ પહેલાં મેડમ અને છોકરાંઓને મુકવા સાસરે જઈ આવ્યો. તે સિવાય અન્ય કામસર બીજા બે ગામમાં પણ જવાનું થયું. જ્યાં જઈએ ત્યાં બધે ગાડી ઉપર લાગેલી નંબર-પ્લેટ જોઈને સ્થાનિક લોકો ભડકે છે!

ભરૂચમાં રહેણાંક સોસાયટીઓએ નિયમ બનાવ્યો છે કે અમદાવાદ-સુરતમાંથી કોઈને સોસાયટીમાં પ્રવેશ ન આપવો અને જો કોઈ ત્યાંથી આવે તો જેના ઘરે આવ્યા હોય એ બધાએ ૧૪ દિવસ ફરજિયાત કવોરનટાઇનમાં રહેવું.

ચીખલી પાસે બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં તો GJ 01 ની ગાડી જોઈને ગામમાં એન્ટ્રી જ ના આપી. એન્ટ્રી ન આપવા બદલ કોઈ ફરિયાદ નથી પરંતુ મને વિચાર એ આવે છે કે ત્યાં આટલી બધી કાળજી લેવાય છે અને કોરોના-જ્વાળામુખી બનેલાં અમદાવાદમાં કોઈ જ રોકટોક નથી.

આ વિષયથી દુર રહેવાનો ઘણો પ્રયત્ન કરું છું છતાંયે વાસ્તવિકતાને કેટલો સમય ટાળી શકાય. દુઃખ થાય છે એ જોઈને કે હવે આ શહેરથી બહાર જતાં દરેક અમદાવાદીને કોરોના-આતંકવાદી તરીકે દેખવામાં આવે છે. હું અહીયાં આવી અપડેટ્સની નોંધ કરીશ એવું તો ક્યારેય ન’તું વિચાર્યું.

🙁

CAA, તોફાન અને અમદાવાદ

~ ભારે ચર્ચા બાદ સંસદના બંને ગૃહમાં નાગરિકતા સંશોધન બિલ (CAB) પાસ કરવામાં આવ્યું અને નાગરિકતા સંશોધન એક્ટ (CAA) તરીકે કાયદો અમલમાં આવ્યો.

~ લાગતું ન’તું કે તેનો આટલો મોટો વિરોધ થશે. મારી સમજ મુજબ તેનો વિરોધ કરવા માટે કોઇ જ વ્યક્તિ કે વિપક્ષ પાસે ચોક્કસ કારણો ન હોઇ શકે. જે કારણો ચર્ચા દરમ્યાન આપવામાં આવ્યા તેની ચોખવટ પણ ત્યારે થઈ ચૂકી હતી. પરંતુ સરકારના પક્ષે ખોટું એ થયું કે તેઓએ આંદોલનને ગણકાર્યું નહી અને લોકો સાથે સંવાદ ન સાધ્યો. નેતાઓ મિથ્યાભિમાનમાં રહ્યા. પુરતી માહિતી ન આપી જેથી લોકો અફવાઓ અને દુષ્પ્રચારમાં ફસાઇ ગયા.

~ ગઇ કાલે અમદાવાદમાં પણ તેના વિરોધની આગ પહોંચી. તેમના વિરોધનો ભોગ પોલીસવાળા વધુ બન્યા. ધર્મવિશેષ, શાંતિપ્રિય સમુદાય કે લઘુમતી જેવા શબ્દોનો ઉપયોગ કરીને પોલીટીકલ કરેકટનેસ બતાવવાની જરુર મને નથી લાગતી એટલે ચોખ્ખું કહીશ કે મુસ્લીમ ધર્મના લોકોએ જ તેમાં ભાગ લીધો હતો અને મંજૂરી વગર કાઢેલ રેલીને છેવટે તોફાનમાં ફેરવી નાખી.

~ અગાઉથી પ્લાનીંગ કરીને કરવામાં આવેલ હોવાથી કોઇરીતે તેને અચાનક બગડેલી સ્થિતિ તરીકે જોઇ ન શકાય. જે પુર્વનિયોજીત હોય તેને કાવતરું જ કહેવાય અને આ હિંસક બનેલ આંદોલન એક કાવતરું જ છે મારા શહેરની શાંતિ ખરાબ કરવાનું.

~ દેશનું દુર્ભાગ્ય કહો કે પોલીટીકલ એજન્ડા કહો, જે કહો તે; પણ આટલા બધા લોકોને સામુહિક રીતે મુર્ખ પણ બનાવી શકાય તે ઘણી નવાઇની વાત લાગી. સવાલ પણ થયો કે મુસલમાનોમાં એવા કોઇ બે શાણા માણસો પણ નહી હોય કે જેઓ એક કાયદાના બે વાક્યોનું સાચુ અર્થઘટન પણ ન કરી શકે?? અને સાચી વાત પોતાના લોકો સુધી પહોંચાડી પણ ન શકે?

~ દિવા જેવું સ્પષ્ટ છે કે નાગરિક્તા સંસોધન કાયદામાં કોઇની નાગરિક્તા જતી નથી અને માત્ર દેશ બહારના લોકોને નાગરિક્તા આપવાની વાત છે તો પણ ‘મારી નાગરિક્તા છીનવાઇ જશે’ -ના ડરથી ઉશ્કેરાઇ જનાર લોકોને ખરેખર મુર્ખ કહી શકાય. અને તેમને ઉશ્કેરનાર લોકોને દેશના ગુનેગાર કહી શકાય.

~ જે લોકો ચિંતા છે કે પડોશી દેશોની લઘુમતીના બધા જ લોકોને અહી નાગરિકતા આપવામાં આવશે અને દેશ પર તેનો ભાર વધશે તો તેઓએ જાણી લેવું જોઇએ કે CAA મુજબ 31 ડિસેમ્બર 2014 ના દિવસને ડેડલાઇન તરીકે સ્વીકારવામાં આવેલો છે. ત્યાં સુધી ભારતની શરણમાં આવી ગયેલ લોકો માટે જ આ કાયદો છે. તેઓ ઓલરેડી ભારતમાં આપણાં વચ્ચે છે. વર્ષોથી, દસકાઓથી..

~ માત્ર એક વ્યક્તિ કે પાર્ટીના વિરોધમાં કે પોતાની નાસમજમાં દેશ સળગાવનાર દરેક લોકો આ દેશના પણ ગુનેગાર છે. કોઇ મજબુત મુદ્દો શોધીને સરકારને વધુ જવાબદાર બનાવવાના બદલે તોફાનીઓને ખોટી માહિતી આપીને ઉશ્કેરવાની આ વૃતિ તેઓમાં રહેલી કાયરતા બતાવે છે.

~ મેં આ વિશે કંઇ ન લખ્યું હોત જો આ મુદ્દો અહી સુધી ન પહોંચ્યો હોત. બને ત્યાં સુધી સંયમિત રહેવાનું નક્કી કર્યું છે પણ આજે સૌથી વધારે તો એ ખટક્યું કે આ આગ મારા અમદાવાદને સળગાવે છે; અને તે મને કોઇ રીતે મંજુર નથી. હવે હું ચુપ ન રહી શકું, પાટીદાર આંદોલન વખતે પણ આ મંજુર ન’તું, પદમાવત વખતે પણ સ્વીકાર્ય ન’તું અને આજે પણ નથી. ક્યારેય નહી હોય.

~ હજુ પણ તે લોકોમાં અંદર ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જણાય છે. જો આવું જ રહેશે તો મુસ્લિમો અને હિંદુઓ વચ્ચે સીધા ભાગલા થઈ જશે. અત્યારે બધું મુસલમાનો કરી રહ્યા છે અને કોંગ્રેસીઓ કે જેમને પોલીટીકલ સ્કોર વધારવો છે તેઓ તેમનો ઉપયોગ રાજકીય લાભ માટે કરી રહ્યા છે. મુસલમાનો પોતાનું ભવિષ્ય જોઈને, વિચારી-સમજીને શાંતિ જાળવે તો સારું અને હિંદુવાદીઓ પણ તેમનો સંયમ જાળવી શકે તો સારું.

~ ઉંડાણથી વિચારતા અને રેલીમાં જોડાયેલા લોકોના ભાવ જોઇને મને દેખાવકારોમાં અન્ય કોઇ હેતુ હોવાની ગંધ આવી રહી છે. CAA-NRC નો વિરોધ માત્ર બહાનું છે, મુળ ઉદ્દેશ્ય કંઇક અલગ જ છે. પોલીસ અને વ્યવસ્થાતંત્ર આગમચેતી રાખીને ચેતી જાય તો સારું. ફરીવાર 2002 નો સમય નથી જોવો હવે.

~ ગોધરાકાંડ પછી આ શહેરની હાલત મેં નજરે જોઇ છે. સમયકાળની એ ભયાનકતા અનુભવી છે. એટલે આ શહેરને બાનમાં લેનાર દરેક કૃત્યનો હું સૌથી મોટો વિરોધી રહીશ. તોફાનીઓની માંગણી યોગ્ય હોય કે ન હોય, પણ જે આ શહેરને આગ લગાડશે તે દરેક હાથને કાપી નાખવાની હું તરફેણ કરીશ.